રાજકોટઃ સમગ્ર સૌરાષ્ટ્રમાં શનિવારે છેલ્લા 24 કલાક પૂરા થતા ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું, જેના પગલે રાજકોટ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. શહેરી વિસ્તારમાં સાંજના આઠ વાગ્યા બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. એકાએક વરસાદ થતા રસ્તા પર જાણે નદી વહેતી હોય એવો માહોલ જોવા મળ્યો હતો. આખીરાત ઝરમર ઝરમર વરસાદ થયા બાદ વહેલી સવારથી જ રાજકોટનો માહોલ જાણે હિલ સ્ટેશન બન્યું હોય એવો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ વિઝિબિલિટી ઝીરો થતા ધોળા દિવસે પણ વાહનોની લાઈટ ચાલું રાખવાની ફરજ પડી હતી.
કુલ સીઝનનો 14 ઈંચ વરસાદ
રાજકોટમાં શનિવારના વરસાદને સામેલ કરતા કુલ સીઝનનો 14 ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે શનિવારે સાંજ સુધીમાં ચાર ઈંચ વરસાદ થયો છે. રાજકોટ મહાનગર પાલિકા ફાયર કંટ્રોલ રૂમના રિપોર્ટ અનુસાર સેન્ટ્રલ ઝોનમાં 72 મીમી (ત્રણ ઈંચ), વેસ્ટ ઝોનમાં 70 મીમી (ત્રણ ઈંચ) અને ઈસ્ટઝોનમાં 56 મીમી (સવા બે ઈંચ) વરસાદ થયો છે.રાજકોટમાં વરસાદ વરસાદે કોર્પોરેશન કમિશનર તુષાર સુમેરા ફિલ્ડમાં નીકળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોની મુલાકાત કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ભગવતીપરા પાસે નદીના વિસ્તારમાં ખાસ નિરીક્ષણ કર્યું હતું. આ સિવાય પોપટપરા, રેલનગર અને ભગવતી પરાના વિસ્તારમાં પાણીના નિકાલની કામગીરી અંગે ખાસ નિરીક્ષણ કર્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવા માટેના આદેશ આપ્યા છે. ડ્રેનેજ, એન્જીનિયરિંગ, ફાયર વિભાગ, ફ્લટ કંટ્રોલ, ઈલેક્ટ્રિકલ તથા સંબંધિત શાખાઓમાં સ્ટાફને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

મહાનગર પાલિકાની લોકોને અપીલ
સ્ટ્રોમ વોટર લાઈન તથા અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે સતત વૉચ રાખવામાં આવી છે. જરૂરિયાત અનુસાર પંપિગ મશીન તથા અન્ય સાધન પૂરા પાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કમિશનરે તમામ ઝોનના અધિકારીઓને સૂચના આપી છે કે, શહેરના કોઈપણ વિસ્તારમાં વરસાદના કારણે પાણીનો ભરાવો ન થવો જોઈએ.વૃક્ષો પડવા જેવી કુદરતી આફત સામે ફાયર વિભાગને એલર્ટ અપાયું છે.કોઈપણ સમસ્યા અંગે તાત્કાલિક જાણ કરીને નીકાલ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. મહાનગર પાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, બને ત્યાં સુધી ચાલુ વરસાદે ઘરની બાહર નીકળવું નહીં.ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળવું. ખાસ કરીને નદીની આસપાસના વિસ્તારમાં જવાનું ટાળવું.મહાનગર પાલિકાના કંટ્રોલ રૂમ (નં.155304) પર તાત્કાલિક જાણ કરવી.
અંડરપાસ બંધ કરાયો
રાજકોટ શહેરમાં રાતથી વરસી રહેલા વરસાના પગલે પોપટપરા વિસ્તારમાં આવેલો અંડરપાસ પાણી ભરાતા બંધ કરી દેવામાં આવ્યો હતો. પાણીનો ભરાવો થવાના કારણે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ કારણે વહેલી સવારે વાહનવ્યવહારને આંશિક અસર થઈ હતી. વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. બપોરના સમયે કમિશનરે આ વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. સ્ટાફને જરૂરી સૂચના આપી હતી.વૉર્ડ સ્ટાફ તથા પોલીસ સ્ટાફ આ અંડ઼રપાસ પાસે પહોંચી જતા લોકોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી. લોકોને પણ આ બાજુથી આવતા અટકાવી દેવામાં આવ્યા હતા.મહાનગર પાલિકાએ લોકોને અપીલ કરી હતી કે, પાણી ભરાયેલું હોય એવા વિસ્તારમાં જવું નહીં. અંડરબ્રિજમાંથી પસાર થવાનું ટાળવું. 72 કલાકથી વરસાદના પગલે સૌરાષ્ટ્રના 22 ડેમમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ જિલ્લાના ડેમ આજી-1માં 0.16 ફૂટ, ભાદર-1માં 0.03 ફૂટ, મોજમાં 0.10 ફૂટ, આજી-3માં 0.03 ફૂટ, ન્યારી-2માં 0.33 ફૂટ, ખોડપીપરમાં 0.33ફૂટ, છાપરાવાડી-2માં 0.33 ફૂટ નવા નીરની આવક થઈ છે.
ક્લેક્ટર કંટ્રેલ રૂમની ખાસ મુલાકાતે
જ્યારે ઈશ્વર્યામાં 0.66 ફૂટ, કરમાળમાં 0.66 ફૂટ અને માલગઢમાં 01.16 ફૂટ પાણી નવું આવ્યું છે. જામનગર જિલ્લાના ડેમ એવા આજી-4માં 0.39 ફૂટ, ઊંડ-1માં 0.07ફૂટ નવા નીરની આવક થઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ જિલ્લામાં વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજકોટની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યા છે. રાત્રીના સમયે રાજકોટ ક્લેકટરે કચેરીના કંટ્રોલરૂમની મુલાકાત કરી હતી. ક્લેક્ટર ડૉ. ઓમ પ્રકાશનાના નિર્દેશમાં એક ટીમને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. ફરજ પર હાજર રહેલા કર્મચારીઓ પાસેથી રિપોર્ટ લીધો હતો. આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટ કોર્પોરેશનના સ્ટાફની રજા રદ્દ કરી દેવામાં આવી છે. આ સાથે તમામ ઈજનેર, અધિકારી, કર્મચારીઓને મોબાઈલ ફોન સ્વિચ ઓફ ન કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

લાલપરી તળાવ ઓવરફ્લોની તૈયારીમાં
સતત અને સખત વરસાદના કારણે રાજકોટનું લાલપરી તળાવ 90 ટકા ભરાઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં આ સ્થિતિને ધ્યાને લઈને ખાસ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે. 14 ફૂટ સુધી પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. હાલમાં લાલપરી તળાવની જળસપાટી 137.46 મીટર છે. દક્ષિણ ગુજરાત બાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર થતા રાજકોટ શહેર તથા જિલ્લામાં સારો એવો વરસાદ થયો છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરુ પાડતા જળાશયોમાં પાણીની આવક થતા હવે રાજકોટને પાણીનો પ્રશ્ન હળવો થઈ ગયો છે. અડધો ફૂટ પાણીની આવક સાથે રાજકોટનું લાલપરી તળાવ ઓવરફ્લો થશે. જ્યારે પશ્ચિમ રાજકોટના અટલ સરોવરમાં દોઢ ફૂટ વરસાદી પાણીની આવક થઈ છે. સમગ્ર ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્રમાં પડશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે.