Tue Sep 29 2026

Logo

રાજ ઠાકરે પર રીલ બનાવનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરના ચહેરા પર કાળી શાહી લગાવીઃ મનસે કાર્યકરોનો વીડિયો વાયરલ

2026-09-23 21:18:34
Author: Mumbai Samachar Team
રાજ ઠાકરે પર રીલ બનાવનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરના ચહેરા પર કાળી શાહી લગાવીઃ મનસે કાર્યકરોનો વીડિયો વાયરલ

મુંબઈ: મહારાષ્ટ્રના એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે પર રીલ બનાવવી ભારે પડી હતી. મનસેના કાર્યકરોએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને રીલસ્ટાર મહેશ મોટે પાસે માત્ર માફી જ મંગાવી નહીં, પરંતુ તેના માથા પર ચપ્પલ રાખીને ઉઠકબેઠક પણ કરાવી હતી. ત્યાર બાદ તેના ચહેરા પર કાળી શાહી પણ લગાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોની ઉગ્ર પ્રતિક્રિયાઓ પણ મળી હતી. જોકે, આ મામલે પોલીસે કોઈ કાર્યવાહી કરી છે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી.

કેમ મંગાવવામાં આવી માફી?
મનસેનો આરોપ છે કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર મહેશ મોટેએ આશરે 15 દિવસ પહેલાં બનાવેલી એક રીલમાં મનસે પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત શુભમ જગદાળે અંગે પણ ટિપ્પણી કરવામાં આવી હતી. મહેશે આ રીલ કેરળમાં હતો ત્યારે બનાવી હતી ત્યાર બાદ જ્યારે તે પુણે પરત આવ્યો ત્યારે મનસેના કાર્યકરોએ તેને કાત્રજ વિસ્તારમાં આવેલા એક પાર્કમાંથી પકડીને પાર્ટી કાર્યાલયમાં લઈ ગયા હોવાનો અહેવાલ છે.

ચહેરા પર લગાવવામાં આવી કાળી શાહી
સામે આવેલા વીડિયોમાં મહેશ મોટાના ચહેરા પર કાળી શાહી લગાવવામાં આવેલી જોવા મળે છે. તેને રાજ ઠાકરેના ફોટા સામે નમીને, માથા પર ચપ્પલ રાખીને માફી માંગવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની પાસે ઊઠક-બેઠક પણ કરાવવામાં આવી હતી. વીડિયોમાં મહેશ રડતો જોવા મળે છે અને રાજ ઠાકરે તેમજ મનસેના કાર્યકરો પાસે માફી માંગતો નજરે પડે છે. મહેશે વીડિયોમાં કહ્યું કે, તેણે અજાણતા રાજ ઠાકરે અંગે કેટલીક ખોટી વાતો કહી હતી. સાથે જ શુભમ દાદા અને એમએનએસના અન્ય પદાધિકારીઓ અંગે પણ ખોટી વાતો કરવા બદલ તેણે માફી માંગી હતી. તેણે હાથ જોડીને બિનશરતી માફી માંગતા કહ્યું કે તેને પોતાની ભૂલનો ઊંડો અફસોસ છે અને તેને વધુ પરેશાન ન કરવામાં આવે.

મનસેના નેતાએ શું કહ્યું? 
હડપસર વિધાનસભા વિસ્તારના એમએનએસ ઉપવિભાગીય પ્રમુખ શુભમ જગદાળેએ આરોપ લગાવ્યો કે મહેશ મોટેએ આશરે 15 દિવસ પહેલાં રીલમાં રાજ ઠાકરે વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. શુભમ જગદાળેના જણાવ્યા મુજબ, મહેશ કાત્રજ વિસ્તારનો રહેવાસી છે અને છેલ્લા 15-20 દિવસથી કેરળમાં હતો. પુણે પરત આવ્યા બાદ તેને એમએનએસ કાર્યાલયમાં લાવવામાં આવ્યો હતો અને તેને 'એમએનએસ સ્ટાઇલ'માં સજા કરવામાં આવી હતી. શુભમ જગદાળેએ વધુમાં કહ્યું કે રાજ ઠાકરે વિરુદ્ધ આવી ટિપ્પણી કરનાર કોઈ પણ વ્યક્તિને આવો જ જવાબ આપવામાં આવશે. જોકે, આ સમગ્ર મામલે પોલીસે કોઈ કેસ નોંધ્યો છે કે નહીં અથવા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં, તે અંગે હાલમાં સત્તાવાર માહિતી સામે આવી નથી.