Tue Oct 06 2026

Logo

ASIની પહેલ: કચ્છના સદીઓ જૂના અરબી-ફારસી શિલાલેખો ડિજિટાઇઝ થશે

2026-09-29 12:40:00
Author: Mumbai Samachar Team
ASIની પહેલ: કચ્છના સદીઓ જૂના અરબી-ફારસી શિલાલેખો ડિજિટાઇઝ થશે

ભુજઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા દેશભરના પ્રાચીન શિલાલેખોના એસ્ટામ્પેજને ડિજિટલ સ્વરૂપ આપવા હાથ ધરાયેલા મહત્ત્વાકાંક્ષી ‘ભારતશ્રી’ પ્રોજેક્ટ અંતર્ગત કચ્છના સદીઓ જૂના ઐતિહાસિક અરબી-ફારસી શિલાલેખોને નવું જીવન મળશે. આ ડિજિટલ પહેલ થકી ભદ્રેશ્વર, લખપત અને જખૌ પંથકની અમૂલ્ય ઐતિહાસિક ધરોહર હવે વૈશ્વિક સ્તરે સંશોધકો, ઇતિહાસકારો તેમજ વિદ્યાર્થીઓ માટે આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે.

મૂળ શિલાલેખને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના ભીના કાગળની ખાસ પદ્ધતિ વડે લેવાતી છાપ એટલે કે એસ્ટામ્પેજ પૈકી અનેક નકલો સદીઓ જૂની અને અત્યંત નાજુક સ્થિતિમાં છે. એએસઆઈના સત્તાવાર રેકોર્ડ અનુસાર ઉપલબ્ધ ૧૩,૮૭૫થી વધુ અરબી અને ફારસી નકલોનું ડિજિટાઇઝેશન કરી તેની સાથે ટ્રાન્સક્રિપ્શન અને સંબંધિત મેટાડેટા પોર્ટલ પર મૂકવામાં આવી રહ્યા છે, જેથી ભૌતિક ક્ષય સામે મૂળ સંદર્ભો કાયમ માટે સુરક્ષિત થઈ જશે.

કચ્છના સાંસ્કૃતિક વારસામાં મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ખાતે આવેલા ઈ.સ. ૧૧૫૯થી ૧૨૨૮ના સમયગાળાના મધ્યકાલીન કુફી શિલાલેખો મોખરાનું સ્થાન ધરાવે છે. ‘એપીગ્રાફીયા ઇન્ડિકા’માં નોંધાયેલા આ શિલાલેખો ભારતમાં મળેલા સૌથી પ્રાચીન પ્રમાણભૂત મુસ્લિમ શિલાલેખો પૈકીના છે, જેમાં અલંકૃત કુફી લિપિની અજોડ શૈલી કંડારાયેલી છે. ૧૨મી સદીની પ્રાચીન મસ્જિદો અને આ સ્થાપત્યો કચ્છના પશ્ચિમ સમુદ્રકાંઠાના ઇસ્લામી જગત સાથેના સદીઓ જૂના સંબંધોની સાક્ષી પૂરે છે.

આ ઉપરાંત પશ્ચિમ કચ્છના લખપત અને જખૌ બંદરના પ્રાચીન કબ્રસ્તાનો અને ધાર્મિક સ્થાનો પર મોજૂદ અરબી-ફારસી શિલાલેખો પ્રદેશના પ્રાચીન દરિયાઈ વેપાર, તત્કાલીન વ્યક્તિવિશેષો અને ઐતિહાસિક કાલખંડની વિગતો ઉજાગર કરે છે. સદીઓથી પશ્ચિમ એશિયા અને આરબ રાષ્ટ્રો સાથે ધમધમતા વેપારી સંબંધોના અભ્યાસ માટે આ શિલાલેખો પ્રાથમિક સ્રોત સમાન છે. ‘ભારતશ્રી’ પ્રોજેક્ટ હેઠળ થનારા ડિજિટલ સંરક્ષણથી કચ્છના આ સમૃદ્ધ ઇતિહાસને હવે ભૌગોલિક સીમાડા વટાવી વૈશ્વિક ફલક પર નવી ઓળખ પ્રાપ્ત થશે.

(ઉત્સવ વૈદ્ય)