Tue Oct 06 2026

Logo

બેસ્ટના પરિવહન અને વીજ વિભાગની ખાધમાં ૪૬ ટકાથી ઘટાડો:

2026-09-29 09:14:00
Author: Sapna Desai
બેસ્ટના પરિવહન અને વીજ વિભાગની  ખાધમાં ૪૬ ટકાથી ઘટાડો:

કરકસરની સાથે જ પ્રશાસકીય ખર્ચામાં ઘટાડો 
(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈની બીજી લાઈફલાઈન ગણાતા બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમની ખાધમાં ૪૬ ટકાથી ઘટાડો થયો છે. વર્ષોથી ખોટ કરી રહેલું અને ભારોભાર દેવામાં ડૂબેલા બેસ્ટ ઉપક્રમની ખાધમાં ચાલુ નાણાકીય વર્ષમાં ઘટાડો થવા પાછળ બેસ્ટ પ્રશાસન દ્વારા ખર્ચામાં કરવામાં આવી રહેલી કરકસરની સાથે જ બેસ્ટની બસની ટિકિટના વેચાણથી આવકમાં થયેલા વધારાને જવાબદાર ગણવામાં આવે છે.

બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષમાં બેસ્ટ ઉપક્રમની ખાધ ૭૩૯.૯૭ કરોડ રૂપિયાની છે, તેની સામે ૨૦૨૪-૨૫માં ૧,૩૬૧.૮૫ કરોડ રૂપિયાની ખાધ હતી. એટલે કે આ વર્ષે કુલ ખાધ ૪૬ ટકાથી ઓછી એટલે કે ૬૨૨ કરોડ રૂપિયા ઓછી થઈ છે. 

૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષમાં વિદ્યુત વિભાગની સરપ્લસ રકમ ૪૪૨.૯૦ કરોડ રૂપિયા છે, જે ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં કુલ ૨૨.૫૦ ટકાથી વધુ છે. તેમ જ ટ્રાન્સપોર્ટ વિભાગની ખાધ ૧,૧૮૨.૮૭ કરોડ રૂપિયા જેટલી હોઈ ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં તે ૩૧ ટકાથી એટલે કે ૫૪૧ કરોડ રૂપિયાથી ઘટી ગઈ છે.

બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ ૨૦૨૫-૨૬માં બેસ્ટ ઉપક્રમના ટ્રાન્સપોર્ટ વિભાગની ખાધમાં ઘટાડો થવા પાછળ અનેક મહત્ત્વનાં કારણો જવાબદાર છે, જેમાં મુખ્યત્વે બેસ્ટ ઉપક્રમની ભાડા પરની બસની ટિકિટમાં વેચાણથી આવકમાં ૨૩૫.૩૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ટ્રાન્સપોર્ટ વિભાગની અન્ય આવકમાં ૪૮.૫૫ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સામાન્ય પ્રશાસકીય ખર્ચમાં ૩૩.૪૫ કરોડ જેટલો ઘટાડો થયો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં બેસ્ટ ઉપક્રમના વિદ્યુત વિભાગના ખર્ચમાં ૨૪૪.૩૧ કરોડ રૂપિયાનો વધારો થયો છે, તે માટે પણ અનેક મહત્ત્વનાં કારણો જવાબદાર છે, જેમાં મુખ્યત્વે વિદ્યુત ઊર્જાની ખરીદીની માટે કુલ ખર્ચમાં ૧૬૬.૯૨ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. પ્રશાસન અને સર્વસાધારણ ખર્ચમાં ૧.૬૯ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. વીજ ગ્રાહકોની ડિપોઝિટ રકમના વ્યાજમાં ૧૬.૮૯ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.  લોન પરના વ્યાજની રકમમાં ૧૧૧,.૭૮ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. સાધારણ પ્રશાસકીય ખર્ચમાં ૯.૮૪ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.