Wed Aug 19 2026

Logo

વિદ્યાર્થિનીઓના વાયરલ વીડિયોથી જાગ્યું તંત્ર: કર્જતમાં ખાડાવાળા રસ્તાનું તાત્કાલિક રિપેરિંગ કરાયું

2026-08-11 21:07:34
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ત્રણ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ શાળાએ જવાના રસ્તા પરના ખાડાઓ પર એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ થતા તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો જેની તેમણે કલ્પના પણ કરી નહોતી.

આ વીડિયોમાં એક શાળાની વિદ્યાર્થિની બંધ છત્રીનો માઈક તરીકે ઉપયોગ કરીને 'રિપોર્ટર'ની ભૂમિકા ભજવતા  કર્જત તાલુકાના ખાંડપે-કોંડિવડે રોડની ખરાબ હાલત વિશે પોતાની સહેલીનો ઈન્ટરવ્યુ લઈ રહી છે, જ્યારે ત્રીજી વિદ્યાર્થિની કેમેરાપર્સન બનીને પોતાના મોબાઈલ ફોનમાં આ વાતચીતનું રેકોર્ડિંગ કર્યું હતું.

રસ્તાની વચ્ચે ઊભેલી ત્રણ વિદ્યાર્થીનીઓમાંથી એક વિદ્યાર્થિની વીડિયોમાં પૂછે છે, "શું રસ્તા પર ખાડા છે, કે ખાડાઓમાં રસ્તો છે?" વીડિયોના અંતે એક  વિદ્યાર્થિની કહે છે, "આ છે રિપોર્ટર નેહા ઘારે અને તેમની સાથે છે કેમેરાપર્સન માનસી પવાર."

ખાડાવાળા રસ્તા અંગે શાળાની વિદ્યાર્થિનીઓના અનોખા અભિગમે ટૂંક સમયમાં જ લોકોનું ધ્યાન ખેંચ્યું, જેના પરિણામે સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર થોરવેએ રાતોરાત ખાડા પૂરીને કામચલાઉ પગલાં લીધાં હતા.

"ભારે વરસાદને કારણે રસ્તાનો અમુક ભાગ ધોવાઈ ગયો હતો," એમ સત્તાધારી શિવસેનાના થોરવેએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, "ચોમાસું પૂરું થયા બાદ રસ્તાને ફરીથી નવા જેવો બનાવી દેવામાં આવશે."