Sun Jul 26 2026

Logo

'ભાઈ તેરા સ્ટાર હૈ'થી બોલિવૂડમાં ડેબ્યુ કરશે નિહારિકા એનએમ, કોણ છે સેન્સેશન સ્ટાર

2026-07-10 21:23:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: પ્રખ્યાત ડાન્સર અને અભિનેતા એવા રાઘવ જુયાલ ફિલ્મી પડદે પણ ધૂમ મચાવી રહ્યા છે. રાઘવની આવનારી ફિલ્મ 'ભાઈ તેરા સ્ટાર હૈ'ને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ કોમેડી ડ્રામા ફિલ્મની દર્શકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં રાઘવ સામે નિહારિકા એનએમ મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા નિહારિકા બોલીવુડમાં પોતાના કદમ મુકવા જઈ રહી છે. તો જાણીએ આ નવો ચહેરો કોણ છે?

કોણ છે નિહારિકા એનએમ?

નિહારિકાનો જન્મ 4 જુલાઈ 1997માં બેંગ્લોરમાં થયો હતો. તેણે કેલિફોર્નિયા સ્થિત ચેપમેન યુનિવર્સિટીથી એમબીએનું શિક્ષણ લીધું છે. નિહારિકા એક પ્રખ્યાત ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર, સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર અને એક એક્ટ્રેસ પણ છે. તેણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પોતાના ફની અને રિલેટેબલ કોમેડી વીડિયોના જોરે જબરદસ્ત નામના મેળવી છે. ખાસ વાત એ છે કે તે પ્રથમ ભારતીય ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે, જેણે નેટફ્લિક્સની ચર્ચિત એનિમેટેડ સિરીઝ 'બિગ માઉથ'માં મેગન થે સ્ટેલિયન અને જોર્ડન પીલ જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે ગેસ્ટ અપિયરંસ કર્યું હતું. 

આ સેલિબ્રિટીઝ સાથે કામ કર્યું 

નિહારિકા એનએમએ પોતાના કન્ટેન્ટ દ્વારા દેશ-વિદેશના કેટલાય મોટા દિગ્ગજો સાથે કામ કર્યું છે. તેના વીડિયોમાં ટોમ ક્રુઝ, પ્રિયંકા ચોપરા, આમિર ખાન, રણબીર કપૂર, વિજય દેવરાકોંડા, યશ અને મહેશ બાબુ જેવા કલાકારો જોવા મળ્યા છે. વર્ષ 2022માં તેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 'યુથ આઇકન- એન્ટરટેનર ઓફ ધ યર' એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. આ સિવાય તે ફોર્બ્સ એશિયાની '30 અંડર 30' (2022) અને ફોર્બ્સની '100 ડિજિટલ સ્ટાર્સ' (2023) ની યાદીમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે. 

નિહારિકાએ કરેલી ફિલ્મો 

પ્રખ્યાત ચેટ શૉ 'કોફી વિથ કરણ' ના સીઝન 7ના જુરી એપિસોડમાં પણ તે સામેલ થઈ ચુકી છે. તેણે વર્ષ 2025માં તમિલ ફિલ્મ 'પેરુસુ'થી પોતાના અભિનયની કારકિર્દીની શરૂઆત કરી હતી. આમ જોતા તેલુગુ સિનેમામાં તેણે કોમેડી ફિલ્મ 'મિત્ર મંડળી' દ્વારા ડેબ્યુ કર્યો હતો. હવે તે આગામી ફિલ્મ 'ભાઈ તેરા સ્ટાર હે'માં રાઘવ જુયાલ સાથે બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. સોશિયલ મીડિયા પર નિહારિકા એનએમની જોરદાર ફેન ફોલોઇંગ પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 34 લાખથી વધુ લોકો ફોલો કરે છે. 

ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ 

'ભાઈ તેરા સ્ટાર હે' ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ 30 જુલાઈએ મોટા પડદે દસ્તક દેશે. આ ફિલ્મ ઇસ્ટવુડ પિક્ચર્સના બેનર હેઠળ બની છે અને આ ફિલ્મને વિવેક બી અગ્રવાલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી વિવેક બી અગ્રવાલ અને સુદીપતો સરકાર, બંનેએ મળીને લખી છે. બીજી તરફ અવંતિકા હરિ, સુનિલ રૂપની અને વિવેક બી અગ્રવાલ આ ફિલ્મના પ્રોડ્યુસર છે. હવે જોવાનું રહ્યું કે આ ફિલ્મ અન્ય ફિલ્મોને ટક્કર આપવામાં સફળ રહેશે કે નહી.