Sat Oct 03 2026

Logo

જામનગરમાં સોડાની સીલપેક બોટલમાંથી મકોડો નીકળ્યો, ફેક્ટરી માલિકનો ઉડાઉ જવાબ

2026-09-26 14:42:00
Author: Mumbai Samachar Team
જામનગરમાં સોડાની સીલપેક બોટલમાંથી મકોડો નીકળ્યો, ફેક્ટરી માલિકનો ઉડાઉ જવાબ

ખાદ્ય પદાર્થોમાં અસ્વચ્છતા અને ભેળસેળ હવે જાણે કે કોઇ નવાઇની વાત નથી રહી. આજકાલ ખાદ્યપદાર્થોમાંથી વંદો, માખી, ગરોળી જેવા બનાવો તમે સાંભળ્યા હશે. આવો જ એક બનાવ જામનગરમાં બન્યો છે. જામનગરમાં સીલપેક સોડાની બોટલમાંથી મકોડો નીકળતા ચકચાર મચી ગઇ છે. શહેરના બેડી નાકા નજીક આવેલી 'જલારામ સોડા' ફેક્ટરીમાંથી સપ્લાય થયેલા જથ્થામાંથી આ દૂષિત બોટલ મળી આવી છે. દુકાનદારે સોડાનો જથ્થો મંગાવ્યા બાદ સીલપેક બોટલની અંદર મકોડો જોઈને ફેક્ટરી સંચાલકનો સંપર્ક કર્યો હતો.

સોડાની બોટલમાંથી મકોડો નીકળવા જેવી ગંભીર બાબતે ધ્યાન દોરવા છતાં ફેક્ટરી સંચાલકે જવાબદારી સ્વીકારવાને બદલે અત્યંત ઉડાઉ જવાબ આપ્યાનો આક્ષેપ થઇ રહ્યો છે. વેપારીએ લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં મામલે સ્થાનિક ફૂડ વિભાગને તાત્કાલિક અસરથી ફરિયાદ કરી હતી. સીલપેક સોડાની બોટલમાંથી મકોડો નીકળતા સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. 

લોકોના આરોગ્ય સાથે રમત રમતા આવા ફેક્ટરી સંચાલકો સામે ફૂડ શાખા કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. એટલું જ નહીં આવી સોડા ફેક્ટરીના માલિકોને તંત્ર આકરો દંડ ફટકારે તો જ તેમની આંખો ઉઘડશે.