સુરતઃ ગાંધી જયંતિના અવસરે દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને ડાયમંડ હબ સુરતને તેની પ્રથમ સેમી-હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનની મોટી ભેટ મળી હતી. સુરતથી સીધા રાજસ્થાનના પ્રવાસન ધામ ઉદયપુરને જોડતી આ આધુનિક ટ્રેનને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન 4 ઓક્ટોબરથી પોતાના નિયમિત ટાઈમટેબલ મુજબ પાટા પર દોડશે. આ ટ્રેન શરૂ થવાથી સુરત અને ઉદયપુર વચ્ચેનું અંતર માત્ર 7 કલાક અને 30 મિનિટમાં કાપી શકાશે.
આ વંદે ભારત ટ્રેનનું સમયપત્રક સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકો માટે અત્યંત સુવિધાજનક રાખવામાં આવ્યું છે. મુસાફરો સવારે આ ટ્રેન મારફતે અમદાવાદ કે ઉદયપુર પહોંચી, દિવસભરનું કામ પતાવીને રાત્રે 11 વાગ્યા સુધીમાં હેમખેમ સુરત પરત ફરી શકે તેવી ગોઠવવામાં આવી છે. ટ્રેનને બંને રાજ્યોના મહત્વના ઔદ્યોગિક, વેપારી અને ધાર્મિક કેન્દ્રો પર સ્ટોપેજ ફાળવવામાં આવ્યા છે, જેના કારણે વેપારી વર્ગની સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી જતા શ્રદ્ધાળુઓ અને પર્યટકોને મોટો લાભ મળશે.
સુરત-ઉદયપુર વચ્ચે વંદે ભારત શરૂ, 6 દિવસ દોડશે, જાણો ટાઈમિંગ! | Surat-Udaipur Vande Bharat
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 2, 2026
સુરત અને ઉદયપુર વચ્ચે હવે મુસાફરી બનશે વધુ ઝડપી! 2 ઓક્ટોબરે વંદે ભારતને લીલીઝંડી આપવામાં આવી. સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડતી ટ્રેન બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે. જ્યારે ઉદયપુરથી 3:35… pic.twitter.com/BPBnrxAiMY
સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત આ વંદે ભારત ટ્રેન સંપૂર્ણ આધુનિક સુરક્ષા વ્યવસ્થા ધરાવે છે. જેમાં રેલવે અકસ્માત રોકવા માટે અત્યાધુનિક કવચ સેફ્ટી સિસ્ટમ, ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા, જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, આરામદાયક રિવોલ્વિંગ સીટો અને ઉચ્ચ કક્ષાની બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે. આ સેવા શરૂ થતાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે બિઝનેસ કનેક્ટિવિટી અને ટૂરિઝમને અભૂતપૂર્વ પ્રોત્સાહન મળશે.
ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલે જણાવ્યું કે, આજે વંદે ભારત ટ્રેનમાં બેસતાં જ લોકોને વિદેશમાં સફર કરતા હોય તેવો ગર્વ અને આનંદ અનુભવાય છે. સુરતના નાગરિકોએ ક્યારેય ઉદયપુર માટે વંદે ભારત માંગી નહોતી, પરંતુ વડાપ્ર ધાન મોદી સમક્ષ લોકોની જરૂરિયાત રજૂ કરતાં તેમણે તાત્કાલિક મંજૂરી આપી દીધી હતી. આ બદલ તેમણે વડા પ્રધાન અને કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો. તેમજ લોકોનેઆ સુવિધાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.