Sun Oct 04 2026

Logo

BRICS સમિટ માટે દિલ્હી પહોંચ્યા રાષ્ટ્રપતિ પુતિન, આજે PM મોદી સાથે થશે મુલાકાત

2026-09-11 08:42:11
Author: Mumbai Samachar Team
BRICS સમિટ માટે દિલ્હી પહોંચ્યા રાષ્ટ્રપતિ પુતિન, આજે PM મોદી સાથે થશે મુલાકાત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન BRICS Summit 2026માં ભાગ લેવા માટે ભારત પહોંચ્યા છે. પુતિન શુક્રવારે દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. ભારત પહોંચવા પર વિદેશ રાજ્યમંત્રી કીર્તિક વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું. 

પુતિનના પ્રવાસને લઇને રાજધાની દિલ્હીમાં સુરક્ષાની સખત વ્યવસ્થા કરવામા આવી છે. તેઓ  BRICS Summitમાં ભાગ લેવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરશે. બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દા પર વાતચીત થશે. છેલ્લા 9 મહિનામાં પુતીનનો આ બીજો ભારત પ્રવાસ છે.  આની પહેલા તેઓ 5 ડિસેમ્બર 2025ના રોજ ભારત આવ્યા હતા. 

પુતિનની મુલાકાતને લઈને દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા

પુતિનના દિલ્હી પહોંચતા પહેલા જ સુરક્ષા એજન્સીઓએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. એરપોર્ટથી હોટેલ અને ત્યારબાદ ભારત મંડપમ જવાના તેમના રસ્તાઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

પુતિનના રોકાવાની શક્યતા હોય તેવી હોટેલમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોટેલ અને તેની આસપાસ અનેક સ્તરો પર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. રશિયન સુરક્ષા ટીમ પણ અગાઉથી જ દિલ્હી પહોંચી ચૂકી છે. આ ટીમે હોટેલ અને આસપાસના વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે.

ચાર સ્તરનું સુરક્ષા કવચ, રશિયાની પોતાની સુરક્ષા ટીમ પણ સાથે

પુતિનની હોટેલમાં ચાર સ્તરનું સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. સૌથી અંદર ક્લોઝ પ્રોટેક્શન ટીમ એટલે કે CPT રહેશે. આ ટીમ રાષ્ટ્રપતિની નજીકની સુરક્ષા સંભાળશે. ત્યારબાદ દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તૈનાત રહેશે.

ત્રીજા સ્તરમાં દિલ્હી પોલીસના કમાન્ડો અને અર્ધલશ્કરી દળોના જવાનો રહેશે. સૌથી બહારના સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સ્થાનિક પોલીસની રહેશે. હોટેલના કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દરેક સ્તરે નજર રાખી રહી છે.

પુતિનની સાથે રશિયાની પોતાની સુરક્ષા ટીમ પણ હાજર રહેશે. જેમાં કમાન્ડો અને સુરક્ષા અધિકારીઓ સામેલ છે. આ જવાનો રાષ્ટ્રપતિની અવરજવર (મુવમેન્ટ) દરમિયાન તેમની આસપાસ સુરક્ષા ઘેરો બનાવી રાખશે.

પુતિનની સંભવિત હોટલમાં એક એડિશનલ ડીસીપી અને બે એસીપીને અલગ અલગ શિફ્ટમાં તૈનાત કરવામા આવ્યા છે. રશિયાના સુરક્ષા અધિકારીઓએ ભારતીય એજન્સી સાથે મળી તૈયારીની સમીક્ષા કરી હતી. 

પીએમ મોદી સાથે મહત્વની મુલાકાત 

ભારતના પ્રવાસ દરમ્યાન પુતિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શુક્રવારે થવાની આશા છે. સંરક્ષણ, વેપાર અને આર્થિક સહયોગ સહિત અનેક મુદ્દે ચર્ચા થઇ શકે છે.
 
ભારત આ વર્ષે BRICS બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં આર્થિક સહયોગ અને વૈશ્વિક મુદ્દે ચર્ચા થશે. પુતિનનું ભારત આગમન આ શિખર સમ્મેલન પહેલા હાઇ પ્રોફાઇલ આગમન છે.