Sat Sep 05 2026

Logo

પુણેના સિંહગઢ કિલ્લા પર શોર્ટ્સ પહેરવા મુદ્દે વિવાદ, પર્યટકોની કરાઈ મારપીટ

2026-08-20 16:17:00
Author: Mumbai Samachar Team
પુણેના સિંહગઢ કિલ્લા પર શોર્ટ્સ પહેરવા મુદ્દે વિવાદ, પર્યટકોની કરાઈ મારપીટ

પુણે: પુણેના ઐતિહાસિક સિંહગઢ કિલ્લા ખાતે શોર્ટ્સ પહેરવા બાબતે પર્યટકો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. પરિવાર સાથે ફરવા ગયેલા મેનેજર અને અન્ય ત્રણ જૂથો પર 'હિન્દુ સંસ્કૃતિ'ના નામે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસે 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

શોર્ટસ પહેરવા પર મામલો વકર્યો 
આ મામલો 39 વર્ષીય એક ખાનગી કંપનીના વરિષ્ઠ મેનેજરની ફરિયાદ કર્યા બાદ આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદ કરનાર પોતાના પરિવાર અને મિત્રો સાથે સિંહગઢ ફરવા પહોંચ્યા હતા. તાનાજી માલુસરે સ્મારકથી પરત ફરતી વખતે અમુક લોકોએ તેમને રોકી લીધા હતા. આરોપ છે કે તેમના શોર્ટ્સ પહેરવા મુદ્દે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. બાદમાં વિવાદ વકરતા તેમની મારપીટ પણ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર અમુક લોકોએ તેમને લાફા માર્યા હતા, જયારે એક મહિલાએ તો પર્યટકની પત્ની સાથે કથિતપણે મારપીટ કરી હતી. 

ચાર પર્યટક જૂથને નિશાન બનાવવામાં આવ્યા 
પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે ચાર અલગ અલગ જૂથોએ પર્યટકો સાથે વિવાદ અને મારામારી કર્યાની ફરિયાદ મળી હતી. એક અન્ય ફરિયાદમાં મહિલા પર્યટક સહિત અનેક લોકો સાથે મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અમુક પર્યટકોને લાફો મારવા અને પ્લાસ્ટિકના સળિયા વડે હુમલો કરવાની વાત પણ સામે આવી હતી. 
ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સિંહગઢ કિલ્લા પર અમુક લોકો વચ્ચે ઝપાઝપી અને ઝઘડો જોવા મળી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આ મામલે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે. 

પોલીસે કેસ નોંધ્યો, આરોપીઓની તપાસ શરૂ 
એક પોલીસના જણાવ્યા અનુસાર આ મામલામાં આઠ લોકો વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આઓપીઓ દ્વારા મારપીટ, તોફાન, ગેરકાયદે ભેગા થવા અને ગુનાહિત ધમકી જેવી કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ટીમો આરોપીઓની તપાસમાં જોડાયેલી છે. તપાસ બાદ ઘટનાથી જોડાયેલા તથ્યોનો ખુલાસો થશે.