Wed Aug 19 2026

Logo

કોલસા સાથે સોડિયમ નાઈટ્રેટ બાળી તેનો ધુમાડો શ્વાસમાં લઈને પરિવારનો આપઘાત

2026-08-03 19:02:32
Author: Yogesh C. Patel
Article Image

પુણેમાં ઉચ્ચ શિક્ષિત પરિવારે આર્થિક તંગીથી કંટાળી જીવન ટૂંકાવવા રસાયણ ઑનલાઈન મગાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પુણેમાં વસતા કેરલમના ઉચ્ચ શિક્ષિત પરિવારે આર્થિક તંગીથી કંટાળી જીવન ટૂંકાવવા માટે સોડિયમ નાઈટ્રેટ નામના અત્યંત ઝેરી રસાયણનો ઉપયોગ કર્યો હતો. ઑનલાઈન મગાવાયેલું આ રસાયણ સળગતા કોલસા પર નાખીને તેનો ધુમાડો શ્વાસમાં લીધો હતો, જેને પગલે માતા-પિતા અને દીકરીનાં મોત નીપજ્યાં હતાં.સંત તુકારામ નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સુહાસ આવ્હાડે જણાવ્યું હતું કે ઘટના શનિવારે પ્રકાશમાં આવી હતી. મૃતકોની ઓળખ વિનોદ પિલ્લઈ (50), તેની પત્ની શ્રીજા પિલ્લઈ (45) અને દીકરી પૌર્ણિમા (19) તરીકે થઈ હતી. મૂળ કેરલમનો આ પરિવાર છેલ્લાં ત્રણ વર્ષથી પુણેમાં રહેતો હતો.

મળતી માહિતી અનુસાર વિનોદે આઈઆઈએમ અમદાવાદમાંથી ડિગ્રી મેળવી હતી, જ્યારે પત્ની શ્રીજા પિંપરી વિસ્તારના મોરવાડી ખાતે આવેલી પ્રતિષ્ઠિત શાળામાં કોઑડિનેટર તરીકે જોડાઈ હતી. દંપતીની દીકરી પૌર્ણિમા કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.કેરલમથી પુણે આવેલો પિલ્લઈ પરિવાર પિંપરી ચિંચવડના નેહરુનગર વિસ્તારમાં માલિકીના ફ્લૅટમાં રહેતો હતો. આર્થિક તકલીફને કારણે એ ફ્લૅટ તેમણે વેચી દેવો પડ્યો હતો. ત્યારથી આ કુટુંબ મોરવાડીમાં ભાડેના ઘરમાં રહેતું હતું.

આવ્હાડે જણાવ્યું હતું કે શ્રીજા નોકરીએ ન જતાં શાળાના અધિકારીએ તેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વારંવાર ફોન કરવા છતાં શ્રીજાએ કૉલ રિસીવ કર્યા નહોતા. પરિણામે શાળા દ્વારા શ્રીજાનાં સગાંસંબંધીને જાણ કરાઈ હતી. નજીકના વિસ્તારમાં રહેતા એક સગા શનિવારે પિલ્લઈના ઘરે પહોંચ્યા ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ત્રણેય જણ બેભાન પડ્યા હતા. 

બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણેયને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં વિનોદને તબીબે મૃત જાહેર કર્યો હતો. સારવાર દરમિયાન રવિવારની સાંજે માતા અને દીકરીનાં પણ મૃત્યુ થયાં હતાં.દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં આર્થિક તંગીથી કંટાળીને અંતિમ પગલું ભરી રહ્યા હોવાનું નોંધવામાં આવ્યું હતું. આ પગલા માટે કોઈ જવાબદાર ન ગણવા, એવું પણ નોટમાં લખવામાં આવ્યું હતું. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ નવેમ્બર, 2024માં વિનોદે નોકરી છોડી દીધા પછી પિલ્લઈ પરિવારની આર્થિક મુશ્કેલી વધી ગઈ હતી. એવામાં તેમના વતનમાં ઘરનું બાંધકામ શરૂ કરાયું હોવાથી વિનોદ સખત નાણાભીડમાં આવી ગયો હતો. લગભગ મહિના પહેલાં વિનોદે સોડિયમ નાઈટ્રેટ ઑનલાઈન મગાવ્યું હતું. બારી અને દરવાજો બંધ રાખીને પિલ્લઈએ કોલસો સળગાવ્યો હતો. પછી તેના પણ રસાયણ નાખી આ પરિવારે ઝેરી ધુમાડો શ્વાસમાં લીધો હોવાનું તપાસમાં જણાયું હતું.