Wed Aug 19 2026

Logo

પુણેમાં એફડીએની મોટી કાર્યવાહી: 21 ખાદ્ય સંસ્થાઓના લાઇસન્સ રદ, ₹ 50.65 લાખનો જથ્થો જપ્ત

2026-07-30 16:23:01
Author: Mumbai Samachar Team
Article Image

પુણે: મહારાષ્ટ્રના પુણેમાં ખાદ્ય સુરક્ષા નિયમોની દેખરેખ કરનારા દુકાનદારો અને રેસ્ટોરાના માલિકો વિરુદ્ધ પ્રસાશન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા એક વિશેષ અભિયાન હેઠળ 21 ખાદ્ય સંસ્થાના લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યા હતા. આ સાથે જ મોટાપાયે છાપો મારતા લગભગ 50.65 લાખ રૂપિયાની કિંમતની ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. 

આ સંપૂર્ણ કાર્યવાહી મહારાષ્ટ્ર સરકારના વિશેષ અભિયાન 'સુરક્ષિત ખાદ્ય, સુરક્ષિત ઔષધિ, સુરક્ષિત મહારાષ્ટ્ર' અંતર્ગત કરવામાં આવી છે. એફડીએની ટીમોએ 23 જુલાઈથી 29 જુલાઈ વચ્ચે સમગ્ર પુણે વિભાગમાં તાત્કાલિક તજવીજ હાથ ધરી હતી. અમુક જગ્યા પર ખોરાક રાંધવામાં અને તેના સંગ્રહમાં ગડબડ હતી. બીજી તરફ અમુક પાસે કાયદેસર લાઇસન્સ નહોતા. અમુક સ્થળોએ સામાનનો ખોટી રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પેકેટ પર જરૂરી લેબલિંગ પણ ગાયબ હતું.  

હોટેલ સહિત અનેક આઉટલેટ પર કાર્યવાહી 

એફડીએની આ કાર્યવાહીની તજવીજમાં પુણે, સતારા અને કોલ્હાપુરની કેટલીક પ્રખ્યાત ખાદ્ય સંસ્થાઓનો સમાવેશ થયો હતો. પુણે શહેરમાં જે મુખ્ય સંસ્થાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી, તેમાં વિમાનનગરમાં આવેલા બ્લિન્કીટ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ, આ સાથે અન્ય સ્થાનિક રેસ્ટોરન્ટ્સનો સમાવેશ થયો હતો. આ સિવાય સતારા અને કોલ્હાપુર જિલ્લામાં અનેક ખાદ્ય દુકાનોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 

ભેળસેળની શંકા, 50.65 લાખ રૂપિયાનો માલ જપ્ત 

તપાસ દરમિયાન ફક્ત લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યા એટલું જ નહીં પરંતુ 12 અલગ અલગ સંસ્થાઓથી ભારે પ્રમાણમાં ખાદ્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. અધિકારીઓને શંકા છે કે આમાંથી કોઈ વસ્તુઓ ભેળસેળ થયેલી છે કે તેમને અત્યંત પ્રદુષિત અને અસુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવ્યા હતા. 

જપ્ત કરાયેલા સામાનની યાદીમાં સામાન્ય નાગરિકોના ઉપયોગની રોજબરોજની ચીજવસ્તુઓ સામેલ છે, જેમાં ઘી, ગોળ, ભેંસનું દૂધ, દહીં, પનીર, રિફાઇન્ડ પામ ઓઇલ અને સુકામેવા જપ્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય ચા-નાસ્તા અને તહેવારોમાં કામ આવનારા નાસ્તા જેવા કે ચકરી, ફરસાણ, બિસ્કિટ, ટોસ્ટ, સોન પાપડી, મલાઈ કુલ્ફી અને ખાંડમાંથી બનેલી મીઠાઈઓ પણ પુષ્કળ પ્રમાણમાં જપ્ત કરવામાં આવી હતી. અધિકારીઓએ સ્પષ્ટપણે સફેદ સાકર અને રિફાઇન્ડ પામ ઓઇલમાં પુષ્કળ ભેળસેળ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 

એફડીએએ કહ્યું કે જપ્ત કરાયેલો જથ્થો હાલમાં સરકારી કસ્ટડીમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આ દરેક ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબ ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટના આધારે આ દરેક દુકાનદારો અને કંપનીઓ વિરુદ્ધ આગળ કડક પગલાં લેવામાં આવશે. 

પુણે વિભાગના એફડીએ સંયુક્ત કમિશ્નરે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે જે પણ સંસ્થા કાયદેસર લાઇસન્સ વગર હોવાની જાણ થશે તો ખાદ્ય સુરક્ષાના કાયદા હેઠળ કડક પગલાં લેવામાં આવશે, જેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થઇ શકે.