Sun Aug 23 2026

Logo

નજીવા વિવાદમાં વૃદ્ધાની હત્યા કરનારા  બે આરોપી ઝડપાયા: મૃતકનું માથું ગુમ

2026-08-21 16:58:41
Author: Yogesh D. Patel
Article Image

પુણે: પુણે જિલ્લાના દૌંડમાં નજીવા વિવાદમાં 70 વર્ષની વૃદ્ધાની હત્યા કર્યા બાદ તેનું માથું ધડથી અલગ કરવા બદલ બે જણની ધરપકડ કરવામાં આવી હતી. વૃદ્ધાનું માથું ગુમ છે અને પોલીસ તેને શોધી રહી છે.

દૌંડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાના 12 કલાકમાં બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમની ઓળખ વિકી અલ્હાત અને પ્રસાદ ચવાણ તરીકે થઇ હતી. બંને જણ દૌંડના સમતાનગર વિસ્તારના રહેવાસી છે.

બંને આરોપી અને વૃદ્ધા સુમન શિંદે વચ્ચે નજીવી બાબતે વિવાદ થયો હતો, જેનો ગુસ્સો તેમના મનમાં હતો. બંને આરોપી બુધવારે બપોરે વૃદ્ધાના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે હથિયારના ઘા ઝીંકી વૃદ્ધાની હત્યા કરી હતી અને બાદમાં તેનું માથું ધડથી અલગ કર્યું હતું. હત્યા બાદ બંને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

દરમિયાન બનાવની જાણ થતાં દૌંડ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વૃદ્ધાના ધડને હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધ આદરી હતી. પોલીસે બાદમાં બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. વૃદ્ધાનું માથું હજી ગુમ હોઇ તેની શોધ ચલાવાઇ રહી છે, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)