વેપારીની માહિતી અપહરણકારોને આપનારો પણ તાબામાં: પોલીસ પીછો કરતી હોવાની જાણ થતાં વેપારીને ચંદનાપુરી ઘાટમાં છોડ્યો
મુંબઈ: પુણેમાં 50 લાખ રૂપિયાની ખંડણી વસૂલવા વેપારીનું કારમાં અપહરણ કરનારા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ પીછો કરતી હોવાની જાણ થતાં જ અપહરણકારોએ વેપારીને સંગમનેર ખાતેના ચંદનાપુરી ઘાટમાં છોડી દીધો હતો, જેને પોલીસની ટીમે શોધી કાઢ્યો હતો. આરોપીને વેપારીની માહિતી પૂરી પાડનારા શકમંદને પણ તાબામાં લેવાયો હોવાનું જાણવા મળ્યું હતું.
પિંપરી-ચિંચવડ પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ ચંદ્રશેખર દીપચંદ ગૌડ (34), દિલીપ મોહનલાલ સરોજ (28), રિન્કુ અલગુરામ સરોજ (20), અનિલ ગિરધારીલાલ સરોજ (26) અને મૂકેશકુમાર રામમુરત ચમાર (24) તરીકે થઈ હતી. તેમની પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ, છ કારતૂસ, પાંચ મોબાઈલ ફોન, ફરિયાદીનું સાત લાખ રૂપિયાનું ઘડિયાળ અને કાર જપ્ત કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર પુણેના રહાટણી વિસ્તારમાંથી સોમવારની સાંજે વેપારીનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ વેપારીના ભાઈને કૉલ કરી 50 લાખ રૂપિયાની માગણી કરી હતી. રૂપિયા ન આપે તો વેપારીને પતાવી નાખવાની ધમકી પણ આપી હતી. વેપારીના ભાઈએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.માહિતી મળતાં જ ક્રાઈમ બ્રાન્ચ અને કાળેવાડી પોલીસ સ્ટેશનના અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે વેપારીનું જે કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું તેને ઓળખી કાઢી હતી. એ સિવાય વેપારીના ભાઈને ખંડણી માટે ફોન કરવામાં આવ્યો હતો તેના નંબરને ટ્રેસ કરવામાં આવ્યો હતો.
અપહરણ બાદ આરોપી વેપારીને ઉત્તર પ્રદેશ લઈ જવાની તૈયારીમાં હતા. પોલીસની ટીમે આરોપીઓની કારનો પીછો કરવા માંડ્યો હતો. પોલીસ પીછો કરતી હોવાની જાણ થતાં વેપારીને ચંદનાપુરી ઘાટમાં છોડી અપહરણકારો સંગમનેર ટોલનાકા તરફ રવાના થયા હતા. ટોલનાકા પાસે પોલીસે આરોપીની કારને આંતરી પાંચ જણને તાબામાં લીધા હતા.આરોપીએ આપેલી માહિતી પરથી વેપારીને ચંદનાપુરી ઘાટમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.