Thu Jun 25 2026

Logo

બિશ્ર્નોઈ ગૅન્ગને નામે બિઝનેસમૅનને ધમકાવ્યા પછી ગોળીબાર: પોલીસને બાઈક મળી આવી

2026-06-25 19:00:16
Author: Yogesh C. Patel
Article Image

પુણે: કુખ્યાત લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગને નામે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકાવ્યા પછી પુણેના બિઝનેસમૅનની ફૅક્ટરી પર ગોળીબાર કરવાના કેસમાં પોલીસને શૂટરની બાઈક મળી આવી હતી. પુણેમાં સ્ટીલનાં ઉત્પાદનોનો વ્યવસાય ધરાવતા અમોલ રાજેન્દ્ર ચમાદાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે સોમવારની સાંજે 4.30 વાગ્યે તેને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો કૉલ આવ્યો હતો. કૉલ કરનારા શખસે પોતાની ઓળખ આરઝૂ બિશ્ર્નોઈ તરીકે આપી હતી. તેણે બિઝનેસમૅન અને તેના ભાગીદાર પાસેથી પાંચ કરોડ રૂપિયાની માગણી કરી હતી.

આ મામલે બિઝનેસમૅને ફુરસુંગી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. બિઝનેસમૅન ફરિયાદ નોંધાવતો હતો ત્યારે તેની ફુરસુંગી વિસ્તારમાં આવેલી ફૅક્ટરી પર રાતે 8.10 વાગ્યે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ચાર રાઉન્ડ ફાયર કરી હુમલાખોર ફરાર થઈ ગયા હતા. જોકે એ ઘટનામાં કોઈને ઇજા થઈ નહોતી.

તપાસ દરમિયાન પોલીસને બુધવારે ફુરસુંગી વિસ્તારમાં જ ફૅક્ટરીથી થોડે અંતરેથી બાઈક નધણિયાતી હાલતમાં મળી આવી હતી. બાઈકના રજિસ્ટ્રેશન, એન્જિન અને ચેસિસ નંબર્સ મિટાવી દેવાનો પ્રયાસ કરાયો હતો, જેથી બાઈકના માલિક સુધી પહોંચી ન શકાય, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ ખંડણી અને ગોળીબારના કેસની તપાસ કરી રહી છે. બન્ને એક એકબીજા સાથે સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)