Thu Jul 23 2026

Logo

જાણી લો, ફિફા વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને અને મેસીની ટીમને કેટલા કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું...

New York   2026-07-20 12:12:00
Author: Ajay Motiwala
Article Image

Image Credit : AP


ન્યૂ યોર્ક: વર્તમાન યુરો ચેમ્પિયન સ્પેને રવિવારે રાત્રે ફિફા વર્લ્ડ કપ પણ જીતી લીધો એ સાથે હવે ચાર વર્ષ આ યુરોપિયન ટીમનું ફૂટબૉલ જગત પર સંપૂર્ણ રાજ રહેશે અને એ સાથે એ પણ આપણે જાણી લઈએ કે આ વિજેતા ટીમને, રનર અપ આર્જેન્ટિનાની ટીમને તેમ જ અન્ય ટીમોને ફિફા તરફથી કેટલું ઇનામ મળ્યું છે.

કુલ કેટલા રૂપિયાની ઈનામી વર્ષા?

ફિફા (Fifa)એ પ્રથમ વખત 48 ટીમના યોજેલા વર્લ્ડ કપ માટે કુલ ઇનામી રકમ વધારીને રેકૉર્ડ 871 મિલિયન ડૉલર (આશરે ₹8,362 કરોડ) કરી હતી. એપ્રિલમાં કરાયેલા સુધારા બાદ ઇનામી રકમમાં 100 મિલિયન ડૉલરથી પણ વધુનો ઉમેરો કરવામાં આવ્યો હતો. એમાંથી ચેમ્પિયન બનેલી સ્પેન (Spain)ની ટીમનું સ્પેનિશ ફૂટબૉલ ફેડરેશન ઉત્તર અમેરિકામાંથી આશરે 51 મિલિયન ડૉલર (લગભગ ₹492 કરોડ)ની ઇનામી રકમ (Prize money) સાથે વતન પરત ફરી રહ્યું છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં ખિતાબ ગુમાવ્યા છતાં રનર-અપ તરીકે 34 મિલિયન ડૉલર (આશરે ₹327 કરોડ)ની ઇનામી રકમ મેળવી છે. આ રકમ કતાર 2022 વર્લ્ડ કપમાં રનર-અપ રહેલા ફ્રાન્સને મળેલી ઇનામી રકમ કરતાં 4 મિલિયન ડૉલર વધુ છે.

સામાન્ય રીતે ફિફા દ્વારા જાહેર કરવામાં આવતી દરેક ટીમ માટેની ઇનામી રકમમાંથી સંબંધિત ટીમનું ફૂટબૉલ ફેડરેશન ખાસ્સો એવો હિસ્સો પોતાની પાસે રાખે છે અને બાકીના હિસ્સામાંથી ટીમના દરેક પ્લેયરને અને કોચિંગ સ્ટાફ તથા સપોર્ટ સ્ટાફ મેમ્બરને અગાઉ નક્કી થયા મુજબ ઇનામી રકમની વહેંચણી કરે છે.

કોને કેટલું ઇનામ મળ્યું?

(1) ચેમ્પિયન (સ્પેન): 492 કરોડ રૂપિયા
(2) રનર-અપ (આર્જેન્ટિના): 327 કરોડ રૂપિયા
(3) ત્રીજું સ્થાન (ઇંગ્લૅન્ડ): 289 કરોડ રૂપિયા
(4) ચોથું સ્થાન (ફ્રાન્સ): 270 કરોડ રૂપિયા
(5) કવોર્ટર ફાઇનલિસ્ટ (સ્વિટઝરલૅન્ડ, નોર્વે, બેલ્જીયમ, મોરોક્કો): 192 કરોડ રૂપિયા (દરેક ટીમને)
(6)પ્રી-કવોર્ટર ફાઇનલિસ્ટ (અમેરિકા, બ્રાઝિલ સહિત): 154 કરોડ રૂપિયા (દરેક ટીમને)
(7) રાઉન્ડ ઑફ 32 (જર્મની, નેધરલૅન્ડ્સ સહિત): 115 કરોડ રૂપિયા (દરેક ટીમને)
(8) ગ્રૂપ સ્ટેજ (33થી 48મા નંબરની ટીમ): 96 કરોડ રૂપિયા (દરેક ટીમને)