Thu Oct 08 2026

Logo

`અમારી રાહ સાથે રહેવા માટે નથી બની', આવું કહીને જાણીતા ક્રિકેટર સાથેની સગાઈ ફિયાન્સીએ તોડી નાખી

2026-09-17 16:56:44
Author: Ajay Motiwala
`અમારી રાહ સાથે રહેવા માટે નથી બની', આવું કહીને જાણીતા ક્રિકેટર સાથેની સગાઈ ફિયાન્સીએ તોડી નાખી

મુંબઈઃ ઘણા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર રાખવામાં આવેલા ક્રિકેટર પૃથ્વી શૉની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લેતી, કારણકે પૃથ્વી (Prithvi)ની મંગેતર આકૃતિ અગ્રવાલે તેનાથી અલગ થઈ જવાની જાહેરાત કરી છે.પૃથ્વી-આકૃતિની સગાઈ આ વર્ષના માર્ચ મહિનામાં થઈ હતી. આકૃતિએ સોશ્યલ મીડિયાના માધ્યમથી પૃથ્વી સાથે અલગ થઈ જવાનું જાહેર કર્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ભાવનાત્મક વિગતો સાથે લોકોને વાકેફ કર્યા હતા.

અભિનેત્રી આકૃતિ (Akriti) અગ્રવાલે લખ્યું, `હું ભારે હૃદયથી જણાવવા માગું છું કે મેં અને મારા મંગેતરે અમારા ભવિષ્યના અલગ-અલગ લક્ષ્યો તથા પરિસ્થિતિને કારણે અલગ થઈ જવાનો નિર્ણય લીધો છે. અમે એકમેકને જેટલો પ્રેમ કરીએ છીએ અને જેટલી પરવા કરીએ છીએ એના પરથી અમે એ માની લીધું છે કે અમારી રાહ સાથે રહેવા માટે નથી બની. અમારી જવાબદારીઓ અને અમે હાલમાં જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ એ જોતાં અમે આપસમાં સહમતીથી અલગ થઈ જવાનું નક્કી કરી લીધું છે.'

આકૃતિએ વધુમાં લખ્યું, `ખરેખર, હું અમારા બન્નેને આગળ વધવા માટે સૌથી સારી શાંતિ અને ખુશીની કામના કરું છું. હું સૌને અનુરોધ કરું છું કે આ મુશ્કેલ સમયમાં અમારી અંગત બાબતોનું સન્માન કરશો અને અમારા આ નિર્ણય પાછળના કારણો વિશે કોઈ અટકળ ન કરશો. અમારી સંવેદનાઓને સમજવા માટે અને એનું સમ્માન કરવા બદલ આભાર.'

પૃથ્વી 26 વર્ષનો છે. તેનો જન્મ 1999માં થાણે શહેરમાં થયો હતો. ભારત વતી તે પાંચ ટેસ્ટ, છ વન-ડે અને એક ટી-20 મૅચ રમી ચૂક્યો છે. તેણે 2018માં 18 વર્ષની ઉંમરે ભારત વતી ડેબ્યૂ કર્યું હતું, પણ ભારતીય ટીમમાં સ્થાન ટકાવી ન શક્યો. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે મુંબઈ અને પશ્ચિમ ઝોન વતી તેમ જ આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ વતી રમી ચૂક્યો છે. આકૃતિ અગ્રવાલ અભિનેત્રી તથા મીડિયા ઇન્ફ્લુએન્સર છે. થોડા દિવસોથી બન્ને વચ્ચેના સંબંધોમાં ખટાશ હોવાની અટકળો થઈ રહી હતી.