Mon May 25 2026

Logo

તાલીમ દરમિયાન ગ્રેનેડ હાથમાં જ ફૂટી: બે પોલીસનાં આંગળાંના ફુરચા ઊડ્યા

2026-05-25 18:59:42
Author: Yogesh C Patel
Article Image

અહિલ્યાનગર: પોલીસ મુખ્યાલયના મેદાન પર તાલીમ દરમિયાન હેન્ડગ્રેનેડ ફૂટતાં તાલીમાર્થી ચાર પોલીસ ઘવાયા હતા. ટોળાને વિખેરવા સ્મોક હેન્ડગ્રેનેડનો ઉપયોગ કઈ રીતે કરવો તેની તાલીમ દરમિયાન એક જવાનના હાથમાં જ ગ્રેનેડ ફૂટી હતી. મોટા ધડાકાને કારણે બે પોલીસના હાથનાં આંગળાંના ફુરચા ઊડી ગયા હતા.મળતી માહિતી અનુસાર હેન્ડગ્રેનેડ ફૂટવાની આઘાતજનક ઘટના સોમવારની સવારે 10 વાગ્યે બની હતી. આ ઘટનાને કારણે પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો હતો. મુખ્યાલયના મેદાન પર રોજ પ્રમાણે તાલીમાર્થી પોલીસના ક્લાસીસ ચાલતા હતા. હેન્ડગ્રેનેડનો ઉપયોગ કઈ રીતે કરવો તેની તાલીમ વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી રહી હતી.

કહેવાય છે કે તાલીમ દરમિયાન એક જવાનના હાથમાં જ ગ્રેનેડનો ધડાકો થયો હતો, જેને પગલે ચાર જણ ઘવાયા હતા. જખમીઓમાં શિવરાજ પવાર, શુભમ કાવરે, ગણેશ મઢે અને યોગેશ સાળુંખેનો સમાવેશ થાય છે. આમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.ધડાકાના અવાજથી પોલીસ મુખ્યાલય હચમચી ઊઠ્યું હતું. તરત જ વરિષ્ઠ અધિકારીઓ દોડી આવ્યા હતા અને જખમીઓને નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર માટે તેમને આઈસીયુમાં દાખલ કરાયા હતા.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ટોળાને વિખેરવા માટે ઉપયોગમાં લેવાતા સ્મોક હેન્ડગ્રેનેડ બ્લાસ્ટ થઈ હતી. તાલીમ દરમિયાન આ ગ્રેનેડની સિક્યોરિટી પિન કાઢ્યા પછી સંબંધિત જવાને ભૂલથી તેનું લિવર છોડી દીધું હતું, જેને કારણે ગ્રેનેડ બ્લાસ્ટ થઈ હતી.