નોઇડા: દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન પીએમ મોદી પર અપમાનજનક ટિપ્પણી કેસ અંગે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક યુવતી વિરુદ્ધ નોઈડાના એક્સપ્રેસવે પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં 23 જુલાઈ 2026 ના રોજ દિલ્હીના જંતર-મંતર પર આયોજિત પ્રદર્શન દરમિયાન યુવતીએ પીએમ મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી.
પીએમ મોદીની બંધારણીય ગરિમાને નુકસાન
આ કેસમાં યુવતીની ઓળખ થયા બાદ તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેના નિવેદનથી પીએમ મોદીની બંધારણીય ગરિમાને નુકસાન થયું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 352, 353(1), અને 356(1) હેઠળ તેની વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
વાંધાજનક સામગ્રી અંગે એફઆઇઆર નોંધી હતી
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે પીએમ મોદી અને અન્ય બંધારણીય વડાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી વાંધાજનક સામગ્રી અંગે એફઆઇઆર નોંધી હતી. દિલ્હી પોલીસે એકસ અને અન્ય પ્લેટફોર્મને પણ પત્ર લખીને આવી સામગ્રી દૂર કરવા અને તેને પોસ્ટ કરનારા યુઝર્સ વિશે વિગતો આપવા જણાવ્યું છે. આ સામગ્રી કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન પોસ્ટ કરવામાં આવી છે.
વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાઓ વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી ન કરવાનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાઓ વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ રાહત ગુનાહિત રેકોર્ડ ધરાવતા વ્યક્તિઓને લાગુ પડશે નહીં.