Wed Aug 19 2026

Logo

દક્ષિણ અમેરિકાના પેરૂમાં ટૂરિસ્ટ પ્લેન ક્રેશ થયું, 13 લોકોના કરૂણ મોત

Peru   2026-08-02 10:42:00
Author: Vimal Prajapati
Article Image

પેરૂઃ દક્ષિણ અમેરિકાના દેશ પેરૂમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શનિવારે પ્રખ્યાત 'નાઝકા લાઇન્સ' (Nazca Lines) જોવા જઈ રહેલું એક પ્રવાસી વિમાન અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. નાઝકા શહેર નજીક એક ખેતરમાં પ્લેન ક્રેશ થતાં જ તેમાં સવાર તમામ 13 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સ્થાનિક વહીવટીતંત્રે આ અકસ્માતની પુષ્ટિ કરી છે.

વિદેશી પ્રવાસીઓથી ભરેલું હતું પ્લેન

પેરૂના વેપાર અને પ્રવાસન મંત્રાલય તથા સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, આ પ્લેનમાં 2 પાઇલટ (ક્રૂ મેમ્બર્સ) સહિત 11 વિદેશી સૈલાણીઓ સવાર હતા. મૃત્યુ પામેલા પ્રવાસીઓની વાત કરવામાં આવે તો, 7 ઇટાલિયન નાગરિક, 2 જર્મન નાગરિકો અને 2 સ્પેનિશ નાગરિકોનું મોત થયું છે. આ ફ્લાઇટ ખાનગી એરલાઇન 'એરોડિયાના' દ્વારા ઓપરેટ કરવામાં આવી રહી હતી. જે 'સેસના ગ્રાન્ડ કારવાં' પ્લેન દ્વારા છેલ્લા 14 વર્ષથી આ વિસ્તારમાં હવાઈ સફર કરાવી રહી છે. પ્લેને નજીકના ઇકા શહેરથી ટેક-ઓફ કર્યું હતું.

જમીન પર પટકાતા જ પ્લેનમાં લાગી ભીષણ આગ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે વિમાન અચાનક ખેતરમાં ખાબક્યું હતું અને જમીન પર પટકાતાની સાથે જ તેના ટુકડા થઈ ગયા હતા તથા ભીષણ આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમણે ભારે જિહાદ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

શું છે આ નાઝકા લાઇન્સ?

હજુ સુધી પ્લેન ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પેરૂના એવિએશન અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસના આદેશ આપી દીધા છે. દુર્ઘટના બાદ એરલાઇન કંપની 'એરોડિયાના' તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. નાઝકા લાઇન્સ પેરૂના વિશાળ રણ વિસ્તારમાં પ્રાચીન મૂળ નિવાસીઓ દ્વારા બનાવાયેલી મહાકાય આકૃતિઓ છે. સેંકડો વર્ષ જૂની આ આકૃતિઓમાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ દોરેલા છે, જેને માત્ર આકાશમાંથી (હવાઈ જહાજ કે હેલિકોપ્ટર દ્વારા) જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ કારણે જ વિશ્વભરમાંથી પ્રવાસીઓ તેને જોવા આવે છે.