ભુજ: રણપ્રદેશ કચ્છના અત્યંત સંવેદનશીલ સરહદી અને છેવાડાના વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા તેમજ સ્થાનિક લોકો સાથે વહીવટી તંત્રના સુમેળભર્યા સંબંધો મજબૂત કરવાના હેતુથી રાજ્યના વરિષ્ઠ આઈ.પી.એસ. અધિકારીઓ બે દિવસીય કચ્છની મુલાકાતે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન અધિકારીઓએ સરહદી ગામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને રાત્રિ રોકાણ પણ કર્યું હતું.
રાજ્યના એ.ડી.જી.પી. અજયકુમાર ચૌધરીએ પૂર્વ કચ્છના રાપર તાલુકાના જાટાવાડા અને શિરાની વાંઢ સહિતના છેવાડાના ગામોની મુલાકાત લીધી હતી. જાટાવાડા ગામે રામદેવપીર મંદિરના પ્રાંગણમાં યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં તેમણે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારમાં વસતા લોકો દેશના અંતિમ નહીં પરંતુ 'પ્રથમ નાગરિકો' છે અને તેઓ સીમાના સાચા સંત્રીઓ છે. આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર, મામલતદાર એચ.બી. વાઘેલા અને ટી.ડી.ઓ. ખોડુભા વાઘેલા સહિતનો કાફલો સાથે રહ્યો હતો. ગ્રામજનોએ અધિકારીઓ સમક્ષ પીવાના પાણીની અછત, બિસ્માર રસ્તા, આરોગ્ય સુવિધાઓનો અભાવ અને સ્થાનિક શાળામાં અપૂરતા શિક્ષકો જેવી પાયાની સમસ્યાઓની રજૂઆત કરી હતી.
બીજી તરફ, પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી સુધા પાંડેએ ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા મોટા દિનારા ગામની મુલાકાત લીધી હતી. તેમણે સરહદ પર કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત પોલીસને આ અંગે સજાગ કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત, ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી કે.એન. ડામોરે દેઢિયા અને જુણાની, પોલીસ અકાદમી કરાઈના ડીઆઈજી લીના પાટીલે ધોરડો સરહદના ઉધમો અને પટગાર તેમજ અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ સી.પી. આર.ટી. સુસરાએ દયાપર ક્ષેત્રના પુનરાજપુર અને ગુનાઉ ગામોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે બેઠકો યોજી હતી.
આ તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે પશ્ચિમ કચ્છના પોલીસ અધીક્ષક વિકાસ સુંડા અને સ્થાનિક પોલીસ કાફલો જોડાયો હતો. આ વિશેષ અભિયાન અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સરહદી નાગરિકોના ઘરે જ રાત્રિ રોકાણ કરીને, રાત્રિ સભાઓ અને સુરક્ષા એજન્સીઓ સાથે રિવ્યૂ બેઠકો યોજી સરહદી સુરક્ષાની વ્યાપક સમીક્ષા કરી રહ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)