ભુજઃ પૂર્વોત્તર રેલવેના બસ્તી રેલવે સ્ટેશન પરથી પસાર થતી ગાંધીધામ સ્પેશિયલ એક્સપ્રેસ તેમજ ગોરખપુર-ગોંડા અપ-ડાઉન પેસેન્જર ટ્રેનો અચાનક રદ થવાના કારણે કાળઝાળ ગરમી વચ્ચે હજારો પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રેલવે પ્રશાસન દ્વારા અગમ્ય કારણોસર સોમવારે દોડનારી ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન છેલ્લી ઘડીએ રદ જાહેર કરાતાં કચ્છ તરફ આવતા શ્રમિકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
રેલવેના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, ટ્રેન રદ થવા અંગે પૂરતી આગોતરી માહિતી ન હોવાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ નિયત સમયે સ્ટેશન પર પહોંચી ગયા હતા. પ્લેટફોર્મ પર આવ્યા બાદ ટ્રેન રદ હોવાની જાણ થતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ અંધાધૂંધી વચ્ચે કેટલાક પ્રવાસીઓએ જનરલ ટિકિટ લઈને અન્ય વૈકલ્પિક ટ્રેનોનો આશરો લીધો હતો, જ્યારે લાંબી પ્રતીક્ષા બાદ કેટલાય મુસાફરો નિરાશ થઈને પોતાની ટિકિટ રિફંડ કરાવી ઘરે પરત ફરવા મજબૂર બન્યા હતા. ખાસ કરીને નાના સ્ટેશનોથી મુસાફરી કરનારા નાગરિકોને આ ભીષણ ગરમી વચ્ચે ખાનગી વાહનોમાં મોંઘા ભાડાં ખર્ચીને પ્રવાસ કરવાની નોબત આવી હતી.
બીજી તરફ, રેલવે સ્ટેશન પર ટ્રેનોની રાહ જોઈ રહેલા પ્રવાસીઓ માટે અસહ્ય તાપ અને બફારો સૌથી મોટી આફત સાબિત થયા હતા. પ્લેટફોર્મ પર કલાકો સુધી બેસી રહેવાને કારણે બાળકો અને વૃદ્ધોની હાલત અત્યંત દયનીય બની ગઈ હતી. ગાંધીધામ સ્પેશિયલ રદ થવાની સાથે સાથે અન્ય કેટલીક મહત્વની ટ્રેનો પણ પોતાના નિયત સમય કરતાં કલાકો મોડી દોડતી હોવાને કારણે સ્ટેશન પરિસરમાં પ્રવાસીઓની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી, જેના લીધે રેલવે તંત્રની વ્યવસ્થા કટોકટીમાં મુકાઈ હતી.
(ઉત્સવ વૈદ્ય)