Sun Jul 26 2026

Logo

અજિત પવારના પુત્ર પાર્થ પવારના લગ્ન નક્કી! જાણો કોણ છે પવાર પરિવારની થનારી વહુ કાયનાત ધર?

2026-07-25 18:24:50
Author: Mumbai Samachar Team
Article Image

પુણે: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સ્વર્ગીય અજિત પવારના પુત્ર અને રાજ્યસભાના સાંસદ પાર્થ પવારના લગ્ન નક્કી થઈ ગયા છે. પાર્થ પવાર અને કાયનાત ધરના લગ્ન 27મી ફેબ્રુઆરી, 2027ના રોજ બારામતી ખાતે ધામધૂમથી યોજાશે. લગ્નના એક દિવસ પહેલાં નજીકના સગા-સંબંધીઓ અને અંગત મિત્રોની હાજરીમાં સાદાઈથી સગાઈનો કાર્યક્રમ યોજાશે. કાયનાત ધર મૂળ ચંદીગઢની રહેવાસી છે અને હાલમાં પરિવાર સાથે દિલ્હીમાં રહે છે.

સોશિયલ મીડિયા પર કાયનાત ધર વિશે ફેલાઈ રહેલી વિવિધ અફવાઓ પર એનસીપી (NCP) નેતા ઉમેશ પાટીલે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. કેટલાક માધ્યમોમાં કાયનાત કાશ્મીરી હોવાની ખોટી માહિતી ચલાવવામાં આવી રહી હતી. ઉમેશ પાટીલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે કાયનાત ધર એ કાશ્મીરી નથી, પરંતુ મૂળ પંજાબી હિંદુ ક્ષત્રિય પરિવારમાંથી આવે છે. તેનું ગોત્ર 'કશ્યપ' છે. સોશિયલ મીડિયા અને મીડિયાના એક વર્ગ દ્વારા તેમના નામ, અટક, સ્પેલિંગ અને શિક્ષણ અંગે તથ્યહીન અફવાઓ ફેલાવવામાં આવી હતી, જેના પર હવે પૂર્ણવિરામ મુકાયું છે.

શિક્ષણ અને કારકિર્દી:

પવાર પરિવારની થનારી વહુ કાયનાત ધર ખૂબ જ ઉચ્ચ શિક્ષિત છે. તેણે નવી દિલ્હીની ચાણક્યપુરી સ્થિત પ્રખ્યાત 'ધ બ્રિટિશ સ્કૂલ' માંથી પોતાનું શાળાકીય ભણતર પૂરું કર્યું છે. ત્યારબાદ તેણે લંડનની સુપ્રસિદ્ધ 'લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ' (LSE) માંથી ઈન્ટરનેશનલ રિલેશન્સમાં B.Sc.ની ડિગ્રી મેળવી હતી. 

અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે પત્રકારત્વ ક્ષેત્રે રિપોર્ટર અને આઉટપુટ એડિટર તરીકે પણ સેવા આપેલી છે. હાલમાં તેઓ પોતાના પરિવારના હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલા છે. હવે તેઓ સાંસદ પાર્થ પવારના પત્ની અને નાયબ મુખ્યપ્રધાન સુનેત્રા પવારના પુત્રવધૂ તરીકે નવી સફર શરૂ કરશે.

પિતાના નિધન પછી લગ્ન યોજવા અંગેની ધાર્મિક માન્યતા અને શંકાઓ દૂર કરવા માટે એનસીપી નેતા ઉમેશ પાટીલે કરવીર પીઠાધીશ્વર શંકરાચાર્યજીની મુલાકાત લીધી હતી. સામાન્ય સામાજિક માન્યતા મુજબ, માતા કે પિતાના મૃત્યુ પછી પરિવારમાં લગ્ન કાં તો એક વર્ષની અંદર થવા જોઈએ અથવા પછીના ૩ વર્ષ સુધી અટકી જાય છે. આ મુદ્દા પર સ્પષ્ટતા આપતાં શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે, પિતાનું નિધન થયું હોવા છતાં ધાર્મિક ગ્રંથોમાં દર્શાવેલા જરૂરી વિધિ-વિધાન અને સંસ્કારો પૂર્ણ કરીને શાસ્ત્રોક્ત પદ્ધતિથી લગ્ન યોજી શકાય છે.