છત્રપતિ સંભાજીનગર: પરભણી જિલ્લામાં લાલ કપડું દેખાડવા છતાં ટ્રેન થોભી નહોતી અને ટ્રેક પર પડેલા અજાણી વ્યક્તિના મૃતદેહ પરથી પસાર થઇ ગઇ હતી. મંગળવારે વહેલી સવારે પૂર્ણા જંકશનની નજીક બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રેલવેના નાંદેડ ડિવિઝન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તમામ નિર્ધારિત સલામતીની પ્રક્રિયાઓ અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે.
વીડિયોમાં ટ્રેક પર મૃતદેહ પડેલો હોવાથી બે જણ લાલ કપડું દેખાડીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કરતા નજરે પડે છે.
શિવસેના (યુબીટી)નાં નેતા સુષમા અંધારેએ એક્સ પર વીડિયો પોસ્ટ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે રેલવે ટ્રેક પર પોલીસની અપૂરતી હાજરીને કારણે ટ્રેક પર પડેલા મૃતદેહ પરથી ટ્રેન પસાર થઇ હતી. આ ચોંકાવનારી ઘટના છે.
રેલવેના નાંદેડ ડિવિઝને જણાવ્યું હતું કે લોકો પાઇલટે મૃતદેહ અંગે રેલવે સત્તાવાળાઓ તેમ જ જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)ને જાણ કરી હતી, જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા માટે રવાના થઇ ગયા હતા.
રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાનો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા, પણ તેઓ જીઆરપીની આવવાની રાહ જોઇ રહ્યા હતા. જીઆરપી દ્વારા મૃતદેહને રેલવે ટ્રેક પરથી હટાવવામાં આવ્યો હતો અને તેને બાદમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી અપાયો હતો, એમ તેમણે જણાવ્યું હતું.
(પીટીઆઇ)