ઇસ્લામાબાદ : ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની ચેતવણીનો પાકિસ્તાને આર્મીએ જવાબ આપ્યો છે. પાકિસ્તાની આર્મી વડા અસીમ મુનીરે જણાવ્યું છે કે ભારતે પાકિસ્તાનના મહત્વને સ્વીકારવું જોઇએ. આ પૂર્વે ઓપરશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું ચાલુ રાખશે અને ભારત વિરુદ્ધ તેની પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે.તો તેણે નિર્ણય લેવો પડશે કે તે ભૂગોળનો હિસ્સો રહેવા માંગે છે કે ઇતિહાસનો.
પરમાણુ શસ્ત્રો ધરાવતા પાડોશીને ધમકી આપવી યોગ્ય નહિ
પાકિસ્તાને ભારતના આર્મી ચીફની ચેતવણીને ઉશ્કેરણીજનક ગણાવીને કહ્યું છે કે, જવાબદાર પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો સંયમ, પરિપક્વતા અને વ્યૂહાત્મક સમજદારી દર્શાવે એ જરૂરી છે. પાકિસ્તાની સૈનાએ જણાવ્યું કે એક સાર્વભૌમ, પરમાણુ શસ્ત્રો ધરાવતા પાડોશીને નકશા પરથી ભૂંસી નાખવાની ધમકી આપવી એ યોગ્ય બાબત નથી.
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને અત્યાર સુધીની સૌથી આક્રમક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવવાનું બંધ નહીં કરે, તો તે નક્કી કરી લે કે તેણે ભૂગોળમાં રહેવું છે કે ઇતિહાસ બનવું છે. સેના પ્રમુખની… pic.twitter.com/dR6wtVx0RQ
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 16, 2026
પાકિસ્તાન પર હુમલાના પરિણામોધાર્યા કરતા વધુ વ્યાપક હશે.
આ ઉપરાંત પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનનું મહત્વ સ્વીકારવું જોઈએ અને તેની સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ જાળવી રાખવાનું શીખવું જોઈએ. તેમજ કહ્યું કે પાકિસ્તાન પર હુમલાના પરિણામોધાર્યા કરતા વધુ વ્યાપક હશે.
ઓપરેશન સિંદૂરમાં 100 આતંકીઓને ઠાર માર્યા
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતે ગયા વર્ષે 6 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી કેમ્પો પર હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાને વળતો હુમલો શરૂ કર્યો હતો. જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનના મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.