અમદાવાદઃ 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કૉલેજની હોસ્ટલ પર ક્રેશ થઈ હતી. આ ઘટનાને એક વર્ષ થયું છે. આ દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત વિમાનના 241 મુસાફરો અને ક્રેશ સાઈટ પર હાજર 19 લોકો મળીને કુલ 260 લોકોના કરૂણ મોત થયા હતા. આ ભયાનક દુર્ઘટનામાં અનેક પરિવારોનો હસતો રમતો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો.
આ દુર્ઘટના અંગે સિવિલ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી અને તત્કાલીન પોલીસ કમિશનર (હાલ ગુજરાતના ડીજીપી) જી એસ મલિકે તે દિવસની ભયાનક યાદો તાજી કરી હતી. તેમણે જણાવ્યું કે, આ દુર્ઘટના બાદ તમામે મળીને કામ કર્યું હતું.
ડૉ. રાકેશ જોષીએ કહ્યું, તે એક સામાન્ય બપોર હતી. હંમેશાની જેમ હૉસ્પિટલમાં સર્જી કરી રહ્યા હતા. તે સમયે અચાનક સમાચાર આવ્યા કે માત્ર 400 મીટર દૂર બી જે મેડિકલ કૉલેજના હૉસ્ટેલ એરિયામાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. તેઓ તાત્કાલિક ટીમને સર્જરી સોંપીને ટ્રોમા સેન્ટર તરફ ભાગ્યા હતા.

શરૂઆતમાં લાગ્યું કે, અનેક લોકો ઘાયલ થયા હશે અને તેમનો જીવ બચાવી શકાશે. તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી. સૌથી પહેલો ઘાયલ ટ્રોમામાં આવ્યો તે ઘણો દાઝી ગયો હતો. તેમણે જણાવ્યું કે, પ્લેન સીધું હૉસ્ટેલના મેસ પર પડ્યું છે. એક કલાક સુધી તો ઈજાગ્રસ્તો આવ્યા હતા પરંતુ તે બાદ સ્થિતિ બદલાઈ ગઈ હતી. સંપૂર્ણ બળી ગચેલા મૃતદેહો આવવાનું શરૂ થયું હતું, જેમને પોસ્ટમોર્ટમ રૂમમાં શિફ્ટ કરવા પડ્યા હતા.
આ ઉપરાંત તેમણે કહ્યું, જે લોકો તેમના પરિવારજનોને હસી ખુશીથી એરપોર્ટ પરથી વિદાય આપી હતી તેઓ રઘવાયા થઈને હૉસ્પિટલ તરફ ભાગી રહ્યા હતા. મૃતદેહો ઓળખી શકાય તેવી સ્થિતિમાં નહોતા. ઘટનાની ગંભીરતા જોતા ખુદ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજા દિવસે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૉસ્પિટલ પહોંચ્યા હતા. તમામનો શક્ય તેટલી વહેલી મૃતદેહની ઓળખ કરી પરિવારજનોને સોંપવાનો આદેશ હતો. આ દુખની ક્ષણમાં દસ્તાવેજી કાર્યવાહીમાં કોઈપણ પરિવારને તકલીફ ન થવી જોઈએ. હૉસ્પિટલમાં ન માત્ર ડૉક્ટરો પરંતુ મનોવૈજ્ઞાનિકોની મદદથી ભાંગી પડેલા પરિવારોને સંભાળ્યા હતા. એનજીઓ અને તંત્રની મદદથી કૉફિનનો પ્રબંધ કરવામાં આવ્યો હતો અને અંતિમક્રિયામાં મદદ કરી હતી.
તે સમયે શહેર પોલીસ કમિશનર અને હાલ ગુજરાતના ડીજીપી જી એસ મલિકે દુર્ઘટનાને યાદ કરતાં જણાવ્યું, 12 જૂન 2025ના રોજ બપોરે 1.40 કલાક આસપાસ ફ્લાઈટ ક્રેશ થઈ હતી. આ દુર્ઘટના મારા ઘરથી માત્ર 200 મીટર દૂર થઈ હતી. મારા ઘરની આસપાસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે તેવો ફોન આવ્યો હતો પરંતુ થોડી જ વારમાં પ્લેન ક્રેશની જાણકારી મળી. હું 15 મિનિટમાં જ ક્રેશ સાઈટ પર પહોંચ્યો હતો. ત્યાંનું દ્રશ્ય જોઈને રૂવાંડા ઉભા થઈ ગયા હતા, ખૂબ દર્દનાક દ્રશ્ય હતું.
એમ્બ્યુલન્સ મૃતદેહોને લઈ દોડતી હતી. સ્થિતિ જોઈ મેં તરત સિવિલ હૉસ્પિટલ માટે ગ્રીન કોરિડોર બનાવવાનો આદેશ આપ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારોથી ક્રેશ સાઈટ પર ફાયર ફાઈટર આવતા હતા. થોડીવારમાં અલગ અલગ એજન્સીઓ સ્થળ પર પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.
જી. એસ. મલિકે કહ્યું, હૉસ્પિટલમાં ઉમટનારી ભીડને ધ્યાનમાં રાખીને કાગળની કામગીરી અને DNA સેમ્પલ કલેક્શન ઝડપથી થાય તે માટે 200 પોલીસકર્મીઓ તૈનાત કરાયા હતા. સામાન્ય રીતે નાના અકસ્માતમાં પણ 24 કલાક લાગે છે, પરંતુ અહીં ટીમે દુર્ઘટનાના માત્ર 20 કલાકમાં જ પ્રથમ મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. 14 જૂન 2025ના રોજ FSL તરફથી પ્રથમ DNA રિપોર્ટ મળતાં જ, દુર્ઘટનાના 50 કલાકની અંદર બપોરે 3.19 વાગ્યે પ્રથમ મૃતદેહ વાલીસોને સોંપાયો હતો. પોલીસે પોતાની ગાડીઓ અને એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહોને ઘર સુધી પહોંચાડ્યા હતા. પીડિત પરિવારોને અગવડતા ન પડે તે માટે ઇતિહાસમાં પહેલીવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ, DNA રિપોર્ટ અને ડેથ સર્ટિફિકેટ જેવા તમામ જરૂરી દસ્તાવેજો મૃતદેહની સાથે જ એકસાથે સોંપી દેવામાં આવ્યા હતા.
260 મૃતકોમાંથી માત્ર 6 લોકોની જ સામાન્ય રીતે ઓળખ થઈ શકી હતી, જ્યારે બાકીના 254 લોકો માટે DNA મેચિંગ જ એકમાત્ર રસ્તો હતો. સિવિલ હૉસ્પિટલ અને FSLની ટીમે સતત 16-17 દિવસ સુધી અવિરત કામ કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જેમાં કલેક્ટર ઓફિસ અને AMCનો મોટો સહયોગ મળ્યો હતો.