Tue Aug 18 2026

Logo

નાશિકમાં મંદિર બહાર ત્યજી દેવાયેલી બાળકીના વાયરલ વીડિયોનું સત્ય શું છે? જાણો વાસ્તવિકતા

2026-08-03 17:42:48
Author: Mumbai Samachar Team
Article Image

નાશિક: મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં સોશિયલ મીડિયા પર મંદિરની બહાર કપડામાં લપેટાયેલી એક માસૂમ બાળકીનો વીડિયો લાખો લોકોની ભાવનાઓ સાથે રમી ગયો. શેર કરાયેલા આ વીડિયોમાં એક મંદિરની બહાર એક નવજાત બાળકી 'તરછોડાયેલી' હાલતમાં એકલી પડેલી જોવા મળે છે અને લોકો તેની નજીક પહોંચતા જ તે નિર્દોષ સ્મિત આપે છે.

વાયરલ વીડિયોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે નાશિકમાં કોઈ નિર્દયી માતા-પિતાએ પોતાની બાળકી મંદિર બહાર ત્યજી  દીધી હતી. બાળકીનું નિર્દોષ સ્મિત જોઈને અનેક લોકો ભાવુક બની ગયા, જ્યારે સોશિયલ મીડિયા પર તેના કથિત માતા-પિતા સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો. પરંતુ જયારે હકીકત સામે આવી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. 

વીડિયોની તપાસ કરતાં સમગ્ર ઘટનાનું કંઈક જુદું જ સત્ય સામે આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે વીડિયો કોઈ વાસ્તવિક ઘટનાનો નહોતો, પરંતુ એક શોર્ટ ફિલ્મના શૂટિંગનો ભાગ હતો. વીડિયોના સંપૂર્ણ વર્ઝનમાં સ્પષ્ટપણે કેમેરા, લાઈટિંગના સાધનો અને ફિલ્મ યુનિટના સભ્યો દૃશ્યનું શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. એટલે કે, સોશિયલ મીડિયા પર જે દૃશ્યને લાવારિસ બાળકીની ઘટના તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, તે હકીકતમાં ફિલ્મના એક દૃશ્યનું શૂટિંગ હતું.

વાયરલ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે નાશિકમાં એક માસૂમ બાળકી તરછોડાયેલી હાલતમાં મળી. લોકો તેની પાસે પહોંચ્યા તો તે તેમને જોઈને હસવા લાગી. આવા ક્રૂર માતા-પિતાને શરમ આવવી જોઈએ. આ પોસ્ટને હજારો લોકોએ શેર કરી હતી. કમેન્ટ્સમાં પણ લાગણીઓનું ઘોડાપુર પણ આવ્યું હતું. 

એક યુઝરે લખ્યું કે, "આટલી સુંદર સ્મિત ધરાવતી બાળકીને કોઈ કેવી રીતે ત્યજી શકે?" જ્યારે અન્ય એક યુઝરે સમાજ પર કટાક્ષ કરતાં લખ્યું કે, "આ બાળકી એ સમાજ પર હસી રહી છે, જે પોતાને માનવતાવાદી કહે છે, પરંતુ માનવતા ભૂલી ગયું છે." કેટલાક લોકોએ તો બાળકીને દત્તક લેવાની પણ તૈયારી દર્શાવી હતી અને તેનો સંપર્ક કરાવી આપવાની અપીલ પણ  કરી હતી.

પરંતુ આ સત્ય સામે આવતા જ લોકોનું બાળકીને પોતાની પુત્રી તરીકે ઉછેરવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું તેમ જ લોકોએ ત્યાર બાદ ખોટી માહિતી આપવા બદલ વિડીયો બનાવનારને પણ ખુબ જ ટ્રોલ કર્યો હતો. પરંતુ આ વિડીયો હજારો લોકોની ભાવનાઓની સાથે રમી જવામાં સફળ નીવડ્યો હતો. 

આ પ્રકરણે નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો કે ફોટા પર તરત વિશ્વાસ કરવાને બદલે તેની સત્યતા ચકાસવી જરૂરી છે. સંપૂર્ણ વીડિયો, વિશ્વસનીય સ્ત્રોત અથવા ફેક્ટ-ચેકના આધારે જ કોઈ માહિતી શેર કરવી જોઈએ. 

આ ઘટના એ સ્પષ્ટ સંદેશ આપે છે કે ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી દરેક બાબત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો ઘણી વાર ખોટી અને તથ્યવિહોણી વાતને ચગાવી દેવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જતો હોય છે.