Tue Aug 25 2026

Logo

હત્યા કેસમાં ત્રણ આરોપીની ધરપકડ: બીજા કેસોમાં ફરાર આરોપીના સાથી પણ પકડાયા...

2026-03-13 17:13:00
Author: Yogesh C. Patel
હત્યા કેસમાં ત્રણ આરોપીની ધરપકડ: બીજા કેસોમાં ફરાર આરોપીના સાથી પણ પકડાયા...

પાલઘર: નાલાસોપારામાં બિયરબાર નજીક યુવાનની હત્યા કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. હત્યા કેસની તપાસ દરમિયાન બીજા ગંભીર કેસોમાં ફરાર આરોપીઓના ત્રણ સાથી પણ પકડાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 20 ફેબ્રુઆરીની રાતે નાલાસોપારા પશ્ર્ચિમમાં શુભમ ઉર્ફે બાબા પ્રેમશંકર મિશ્રાની થયેલી હત્યાની તપાસ હાથ ધરી હતી. બાર નજીક આરોપીના જૂથે શુભમ પર હુમલો કર્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું.

તપાસ દરમિયાન પોલીસે ગયા સપ્તાહે હત્યામાં કથિત ભૂમિકા બદલ સુનીલ જ્ઞાનોબા માલુસરે ઉર્ફે બિગશો (28)ને તાબામાં લીધો હતો. માલુસરેએ આપેલી માહિતી પરથી વધુ બે આરોપી જગન મયંદી પતકતિયાર (27) અને શરણ મુરગન (25)ની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા એક આરોપી અને મિશ્રા વચ્ચે વિવાદ હતો, જેને પગલે તેની હત્યા કરાઈ હતી, એવું યુનિટ-3ના સિનિયર ઈન્સ્પેક્ટર શાહુરાજ રણવરેએ જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ પોલીસની ટીમ પતકતિયારને શોધી રહી હતી ત્યારે તેના અન્ય ત્રણ સાથીની પણ માહિતી મળી હતી.માહિતીને આધારે અજય અમોદ મિશ્રા (26), પ્રિશિત ઉર્ફે દીપક શ્રીમોહન પાલ (27) અને સની ઉર્ફે અભિષેક મહેન્દ્ર ટાક (26)ની ધરપકડ કરાઈ હતી. આ ત્રણેય આરોપીને પોલીસ આચોલે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના એક ગુના સહિત અન્ય કેસોમાં શોધી રહી હતી. આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)