Tue Aug 18 2026

Logo

નાગપુર-મુંબઈ દુરંતો એક્સપ્રેસમાંથી 1.96 કરોડનું સોનું ઝડપાયું: RPF અને DRI ની મોટી કાર્યવાહી

2026-08-14 20:04:27
Author: Mumbai Samachar Team
Article Image

નાગપુર: આજકાલ મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં સોનું અને ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓ વધી રહ્યા છે. તાજેતરમાં હાવડા-મુંબઈ દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં RPF અને DRIએ સંયુક્ત દરોડો પાડીને ₹ 1.96 કરોડથી વધુની કિંમતનું 1.242 કિલો વિદેશી સોનું ઝડપી પાડ્યું હતું.

ગુપ્ત બાતમીના આધારે રાયપુર અને નાગપુર RPF ક્રાઇમ બ્રાન્ચે ભંડારા અને નાગપુર વચ્ચે B-12 કોચમાંથી બે શંકાસ્પદ મુસાફરોને પકડ્યા હતા. તેમની પાસેથી 7 સોનાના બિસ્કિટ અને 1 ગોલ્ડ બાર મળી આવ્યો હતો. હાલ DRI દ્વારા કસ્ટમ્સ અધિનિયમ 1962 હેઠળ ગુનો નોંધીને આ આંતરરાજ્ય તસ્કરી નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલામાં સૂચનાને ગંભીરતાથી લેતા નાગપુર અને રાયપુર આરપીએફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડીઆરઆઈ નાગપુરના અધિકારીઓ સાથે મળીને કાર્યવાહી શરૂ કરી હતી.  ત્યાર બાદ રાયપુરથી નાગપુર વચ્ચે ટ્રેનમાં તપાસ શરૂ થઈ હતી. 

ટીમને જાણ હતી કે ટ્રેનમાં સોનું છે પણ કોની પાસે છે તેની તપાસ કરવાની હતી. તપાસ દરમિયાન ટ્રેન ભંડારા અને નાગપુર વચ્ચે પહોંચી ત્યારે ટીમની નજર બી-12 કોચમાં બેઠેલા બે સંદિગ્ધો પર પડી હતી. બંનેની તપાસ કરવામાં આવતા અન્ય મુસાફરો પણ ચોકી ઉઠ્યા હતા. 

આ તપાસમાં કુલ 1.242 કિલોગ્રામ વિદેશી સોનું જપ્ત કર્યું હતું, જેમાં સાત સોનાના બિસ્કિટ અને એક ગોલ્ડ બાર મળી આવ્યા હતા. આ સોનાની કિંમત આશરે 1 કરોડ 96 લાખ 307 રૂપિયા જેટલી આંકવામાં આવી હતી. બંને સંદિગ્ધોને સોના સહિત ડીઆરઆઈ નાગપુરને સોંપવામાં આવ્યા હતા. હવે ડીઆરઆઈ તપાસ કરી રહી છે. 

એજન્સીએ કસ્ટમ્સ અધિનિયમ 1962ની કલમ 135 હેઠળ મામલો નોંધ્યો છે. આરોપીઓની પૂછપરછ શરૂ છે. તપાસ એજન્સી એ તપાસ કરવામાં લાગી કે આટલું સોનું ક્યાંથી આવ્યું હતું, અને તેને ક્યાં પહોંચાડવામાં આવ્યું હતું અને આ સમગ્ર ખેલમાં આ બે સિવાય અન્ય કોણ કોણ સામેલ છે. આશરે બે કરોડ રૂપિયાના વિદેશી સોનું મળ્યા બાદ તપાસ એજન્સીનું ધ્યાન હવે કથિત સોનાની હેરાફેરીના નેટવર્ક પર છે.