Mon Sep 07 2026

Logo

નડિયાદમાં ચાલતી ટ્રેનમાં ચડતા મુસાફરને પોલીસે સેકન્ડોમાં ખેંચીને મોતના મુખમાંથી બચાવ્યો, વીડિયો વાયરલ

2026-09-02 16:51:32
Author: Vimal Prajapati
નડિયાદમાં ચાલતી ટ્રેનમાં ચડતા મુસાફરને પોલીસે સેકન્ડોમાં ખેંચીને મોતના મુખમાંથી બચાવ્યો, વીડિયો વાયરલ

નડિયાદ: નડિયાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ઉપડી ગયેલી ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહેલો એક મુસાફર અચાનક લપસી પડ્યો હતો. તે ટ્રેનના દરવાજાના હેન્ડલ પકડીને લટકતો રહ્યો અને તેની જાન જોખમમાં મુકાઈ ગઈ હતી. જોકે, ત્યાં ફરજ પર તૈનાત આરપીએફ કોન્સ્ટેબલના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. 

પાણી ભરવા નીચે ઉતર્યો અને ટ્રેન ઉપડી ગઈ

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે યશવંતપુરથી બીકાનેર તરફ જઈ રહેલી ટ્રેન સાંજના આશરે સવા સાત વાગ્યે નડિયાદ રેલવે સ્ટેશને આવી પહોંચી હતી. આ ટ્રેનના S/6 કોચમાં પુણેથી રાજસ્થાનના મેડતા જઈ રહેલો એક મુસાફર મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેન ઊભી રહેતા જ તે પાણીની બોટલ ભરવા માટે પ્લેટફોર્મ પર નીચે ઉતર્યો હતો. પરંતુ, તે પાછો ફરે તે પહેલા જ ટ્રેને ગતિ પકડી લીધી હતી. 

સેકન્ડોના ખેલમાં ટ્રેન સાથે લટક્યો મુસાફર

ટ્રેન છૂટી જવાના ડરથી મુસાફરે દોડીને ચાલુ ટ્રેને કોચમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેનો પગ પ્લેટફોર્મ પરથી લપસી ગયો અને તે ટ્રેન બોગીના હેન્ડલને વળગીને લટકી ગયો. ટ્રેનની સ્પીડ વધી રહી હતી અને જો મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ખાબક્યો હોત તો તેનો જીવ જવો નક્કી હતો. આ દરમિયાન પ્લેટફોર્મ પર તૈનાત આરપીએફ કોન્સ્ટેબલનની નજર જેવી આ લટકતા મુસાફર પર પડી, તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દોટ મુકી અને પોતાના જીવની પરવા કર્યા વગર મુસાફરને ખેંચીને પ્લેટફોર્મ તરફ સુરક્ષિત ઉતારી લીધો હતો. 

આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. નડિયાદ આરપીએફ થાણા ઈન્ચાર્જ રવીન્દ્ર કુમાર યાદવે જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષથી સેવા આપતા કોન્સ્ટેબલ તાજુદ્દીને સમયસૂચકતા દાખવીને મુસાફરને બચાવી લીધો હતો. પ્રાથમિક તપાસ બાદ મુસાફરને સુરક્ષિત રીતે આગળની મુસાફરી માટે રવાના કરી દેવામાં આવ્યો હતો. અત્યારે આ આરપીએફ જવાનના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યાં છે.