(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મતદાર યાદીની ફેરચકાસણીના કામને વેગ મળ્યો હોવાથી હવે 31 ઑગસ્ટે પ્રાથમિક મતદાર યાદી અને ચોથી નવેમ્બરે અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, એવું મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ પાસેથી મતદાર યાદીઓના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) કામગીરી સંદર્ભેનું નવું સમયપત્રક પ્રાપ્ત થયું હતું, જે અનુસાર સોમવારે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
આ યાદી જાહેર થયા પછી 30 સપ્ટેમ્બર સુધીમાં વાંધા-વિરોધ સંબંધિત વિધાનસભા મતદાર સંઘ કાર્યાલયમાં સ્વીકારવામાં આવશે. વિધાનસભા મતદાર સંઘ ઑફિસોની માહિતી મુંબઈ મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે.
પાલિકા અનુસાર બીએલઓ સંપર્ક કરી શક્યા ન હોય એવા મતદારો, જેમના રેકોર્ડમાં તફાવત જણાયો છે એવા મતદારો અને જેમણે વાંધા-વિરોધ નોંધાવ્યા છે એવા મતદારોને 31 ઑગસ્ટથી 29 ઑક્ટોબર, 2026 દરમિયાન મતદાર નોંધણી અધિકારી કાર્યાલય દ્વારા નોટિસ મોકલવામાં આવશે. સુનાવણી કરીને આવા મતદારોના વાંધા-વિરોધનું સમાધાન કરવામાં આવશે.
એ સિવાય પહેલી ઑક્ટોબર, 2026ના રોજ જેમની વય 18 વર્ષ પૂરી થઈ હશે એવા મતદારો 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં નવા મતદારો માટેનું ફૉર્મ જરૂરી દસ્તાવેજો સાથે ભરીને મતદાર યાદીમાં પોતાનાં નામ નોંધાવી શકશે. વળી, જે મતદારોનાં નામ પ્રાથમિક મતદાર યાદીમાં સમાવાયાં નથી અથવા જેમનાં નામ યાદીમાંથી રદ કરાયાં છે એ લોકો 30 સપ્ટેમ્બર સુધીમાં ફૉર્મ ભરીને મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે. આ માટે યોગ્ય દસ્તાવેજો રજૂ કરવા જરૂરી હોવાનું પાલિકાનું કહેવું છે.