પાલઘર: ગુજરાત જઈ રહેલી કારને મુંબઈ-અમદાવાદ હાઈવે પર દહાણુ નજીક અકસ્માત નડ્યો હતો. ડિવાઈડર સાથે ભટકાયા બાદ ઊંધી વળેલી કાર સળગી ઊઠી હતી અને દરવાજા લૉક થઈ ગયા હતા. જોકે બે ટ્રક ડ્રાઈવરની મદદથી પોલીસે કાચ તોડી કારમાં બેસેલા ત્રણેયને બચાવી લીધા હતા.
કાસા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર સુનીલ માળીએ જણાવ્યું હતું કે કારમાં ત્રણ જણ ગુજરાત તરફ જઈ રહ્યા હતા. પુરપાટ દોડતી કાર મંગળવારની મધરાત બાદ બે વાગ્યાની આસપાસ દહાણુ નજીક ડિવાઈડર સાથે અથડાઈ હતી.
ડિવાઈડર સાથે ભટકાયા પછી કાર ઊંધી વળી ગઈ હતી અને તેના દરવાજા લૉક થઈ ગયા હતા. કારમાં ફસાઈ ગયેલા ત્રણેય જણ દરવાજો ખોલી શકતા નહોતા. ઘટનાને પગલે બે ટ્રક ડ્રાઈવર તેમની મદદ માટે રોકાયા હતા.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઊંધી વળેલી કારના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. કારમાં આગ લાગવાની શક્યતા જોતાં તેના કાચ તોડવામાં આવ્યા હતા અને ટ્રક ડ્રાઈવરોની મદદથી કારમાં ફસાયેલા ત્રણેયને બહાર ખેંચી કાઢવામાં આવ્યા હતા.
ત્રણેયને બહાર કાઢવામાં આવ્યાની ગણતરીની મિનિટમાં જ કાર સળગી ઊઠી હતી. તાત્કાલિક આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આગ પર કાબૂ મેળવવામાં આવે ત્યાં સુધી કાર બળી ગઈ હોવાનું કહેવાય છે.
દરમિયાન મેડિકલ ટીમે ઘટનાસ્થળે જ કારમાંથી બચાવી લેવાયેલા ત્રણેયની તપાસ કરી હતી.
કલાક આરામ કર્યા પછી ત્રણેય બીજા વાહનમાં ગુજરાત તરફ રવાના થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઘટનાને પગલે મુંબઈ-અમદાવાદ હાઈવે પરના વાહનવ્યવહારને અસર થઈ હતી. કલાક સુધી ટ્રાફિક જૅમ જેવી સ્થિતિ હતી. અકસ્માતગ્રસ્ત કારને રસ્તાને કિનારે ખસેડવામાં આવ્યા પછી વાહનવ્યવહાર પૂર્વવત્ થયો હતો. (પીટીઆઈ)