ધાર્મિક પ્રચારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણેયએ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું
પુણે: પુણે પોલીસે ત્રણ અમેરિકન નાગરિકને ‘ભારત છોડો’ની નોટિસ બજાવતાં આ કાર્યવાહીએ ચર્ચા જગાવી હતી. ત્રણેય જણ ધાર્મિક પ્રચારની કથિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા અને તેમણે યુરિસ્ટ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પુણે શહેરના સદાશિવ પેઠ વિસ્તારમાં તાજેતરમાં ત્રણેય વિદેશી નાગરિક ધાર્મિક બાબતનાં પેમ્ફલેટ્સ વહેંચતાં નજરે પડ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. ત્રણેય યુએસ નાગરિક પુરુષ છે, જેમાં એક સિનિયર સિટીઝન છે. બાકીના બે 45થી 50 વર્ષના હોવાનું અધિકારીનું કહેવું છે.
ડેપ્યુટી પોલીસ કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ) સંદીપ ભાજીભાકરેએ જણાવ્યું હતું કે ત્રણેય અમેરિકન નાગરિક ટુરિસ્ટ વિઝા પર આવ્યા હતા. સદાશિવ પેઠ વિસ્તારમાં તે પેમ્ફલેટ્સ વહેંચતા હોવાનું જાણવા મળ્યું હતું. સતર્ક નાગરિકોએ તેમને પેમ્ફલેટ્સ વહેંચતાં જોયા પછી પોલીસને જાણ કરી હતી.
પૂછપરછ દરમિયાન ખાતરી થઈ હતી કે ત્રણેય જણ ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા. તેમના દ્વારા વહેંચવામાં આવેલાં પેમ્ફલેટ્સ ઈંગ્લિશ, મરાઠી અને હિન્દી ભાષામાં હતાં. જોકે તેમાં ખ્રિસ્તી ધર્મ સંબંધી લખાણ હતું. તપાસ બાદ તેમને ટુરિસ્ટ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ‘ભારત છોડો’ની નોટિસ આપવામાં આવી હતી. તેમણે 10 મે સુધીમાં ભારત દેશ છોડવો પડશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
પુણે આવવા પહેલાં ત્રણેય મુંબઈમાં રહ્યા હતા. પુણેમાં અઠવાડિયા પહેલાં જ આવ્યા હતા. આ કેસમાં સ્થાનિકોની કોઈ સાઠગાંઠ છે કે કેમ તેની શક્યતા પોલીસ તપાસી રહી છે. કોઈ સ્થાનિક સંસ્થા આમાં સંકળાયેલી તો નથીને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ ડીસીપીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)