Thu Apr 30 2026

Logo

પ્રીમિયમ મુસાફરીઃ વંદે ભારતનો ગુજરાતમાં 73 લાખ મુસાફરોએ લીધો લાભ, ₹722 કરોડની થઈ કમાણી

2026-04-30 13:06:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ અને ગુજરાતમાં પ્રીમિયમ રેલ મુસાફરીનું મુખ્ય ચાલક બળ બની છે. ઓક્ટોબર 2022 અને માર્ચ 2026 વચ્ચે 73 લાખ મુસાફરોએ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી છે. જેનાથી રેલવેને ₹722 કરોડની આવક થઈ છે.

આ રૂટ પર લોકોએ લીધો સૌથી વધુ લાભ

અમદાવાદ-મુંબઈ રૂટ પર સૌથી વધુ લોકોએ લાભ લીધો છે.  આ રૂટ  બિઝનેસ ટ્રાવેલર્સ, પ્રોફેશનલ્સ અને રેગ્યુલર મનપસંદ વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. રેલવેના આંકડા અસાધારણ રીતે ઉંચા ઓક્યુપન્સી (મુસાફરોની સંખ્યા) સ્તર સૂચવે છે, જેમાં કેટલાક રૂટ પર 140% સુધીની ઓક્યુપન્સી નોંધાઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલીક સેવાઓ સતત તેની સંપૂર્ણ ક્ષમતાથી વધુ કાર્યરત છે, જ્યારે અન્યમાં ઓક્યુપન્સીનું સ્તર 90% થી વધુ રહ્યું છે.

ગુજરાતમાંથી દોડે છે આ છ વંદે ભારત

ગુજરાત સાથે જોડાયેલી છ વંદે ભારત સેવાઓમાં મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર, સાબરમતી – જોધપુર, અમદાવાદ – ઓખા, મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ, સાબરમતી – વેરાવળ તથા અસારવા – ઉદયપુરનો સમાવેશ થાય છે. આ ટ્રેનો ઓક્ટોબર 2022 અને ફેબ્રુઆરી 2026 વચ્ચે તબક્કાવાર શરૂ કરવામાં આવી હતી.

કેમ વધી રહી છે વંદે ભારતની લોકપ્રિયતા

અધિકારીઓએ આ ટ્રેનોની વધતી જતી લોકપ્રિયતા માટે આધુનિક સુવિધાઓને જવાબદાર ગણાવી છે, જેમાં GPS આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, રિક્લાઈનિંગ સીટ્સ, મોબાઈલ ચાર્જિંગ પોર્ટ્સ, ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ્સ, CCTV સર્વેલન્સ અને બાયો-વેક્યુમ ટોયલેટનો સમાવેશ થાય છે. વધુમાં, શ્રેષ્ઠ કેટરિંગ, સમયપાલન, ઉચ્ચ સુરક્ષાના ધોરણો અને મુસાફરીના સમયમાં ઘટાડાને કારણે આ સેવા પર મુસાફરોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનમાં શું છે તફાવત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2023માં ભારતીય રેલવેને બે મોટી ભેટ આપી હતી. જાન્યુઆરી 2023માં વંદે ભારત અને ડિસેમ્બર 2023માં અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવી હતી. બંને ટ્રેન ભારતના આધુનિક અને ઝડપી ટ્રેનમાં સામેલ છે. જોકે બંને ટ્રેનમાં કેટલોક તફાવત છે. વંદે ભારત ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે, જ્યારે અમૃત ભારત ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. અમૃત ભારત ટ્રેનનું ભાડું વંદે ભારત કરતાં ઘણું ઓછું છે. અમૃત ભારતને મિડલ ક્લાસને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે, તેમાં એક પણ AC કોચ નથી જ્યારે વંદે ભારતના તમામ કોચ AC છે.