Thu Apr 30 2026

Logo

મધ્ય પ્રદેશના ધારમાં જીવલેણ અકસ્માત, પિકઅપ વાન પલટતા 2 બાળકો સહિત 12 શ્રમિકોનાં મોત

2026-04-29 22:45:18
Author: Mumbai Samachar Team
Article Image

ધારઃ મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં શ્રમિકો સાથે પસાર થતી પિકઅપ વાન પલટતા 12 વ્યક્તિઓના મોત થયા છે. બુધવારની રાત્રે આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ચિકલિયા સ્થિત રિલાયન્સના પેટ્રોલપંપ પાસે શ્રમિકોથી ભરેલી પિકઅપ વાનની સ્કોર્પિયો ગાડી સાથે ટક્કર થતા, કાબુ ગુમાવતા પલટી ગઈ હતી. કાર સામેની બાજુથી આવી રહી હતી.  મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. હાઈવે પર ચીચીયારીઓ દૂર દૂર સુધી સંભળાઈ હતી. 

ક્ષમતા કરતા વધારે શ્રમિકો હતા
આ ઘટના સાંજે 8.30 વાગ્યા આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. પિકઅપ વાનમાં ક્ષમતા કરતા વધારે 30થી 35 શ્રમિકો હતા.અચાનક વાન પલટી જતા અનેક લોકો વાહન નીચે દબાઈ ગયાના પણ રિપોર્ટ છે. નીચે દબાયેલા લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા પેટ્રોલપંપમાંથી કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાંથી સ્થાનિકો દોડી આવ્યા હતા. ઈજાગસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ડૉક્ટરના જણાવ્યા અનુસાર 8 વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. 12 જેટલા શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી છે. જિલ્લા હોસ્પિટલમાં તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલું છે. 

બે રાજ્યોમાં અકસ્માતની મોટી ઘટના
પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પોલીસ કર્મચારીઓ પણ રાહતકાર્યમાં જોડાયા હતા. હોસ્પિટલમાં તબીબોની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. તિરલા પોલીસ સ્ટેશનની હદમાં આ અકસ્માત થયો હતો. દુર્ઘટના બાદ તપાસ ચાલું કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ જોતા મૃતકોની સંખ્યામાં વધારો થાય એવી પૂરી શક્યતાઓ છે. બુધવારનો દિવસ ગુજરાત અને પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ માટે અમંગળ સાબિત થયો છે. ગુજરાતમાં મંગળવારે મોડી રાત્રે અને બુધવારે સવારે ઘટેલી અકસ્માતોની બે ઘટનામાં નવ જણાના જીવ ગયા છે. આ બન્ને અકસ્માત અલગ અલગ સ્થળ પર નેશનલ હાઈ વે 48 પર થયા હતા. એની સાથે મધ્ય પ્રદેશમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોના મૃત્યું થતા, મોટી જાનહાનિ થવાથી બુધવાર બંને રાજ્યમાં અકસ્માત માટે જીવલેણ સાબિત થયો.