Thu Apr 30 2026

Logo

અમારી પાર્ટી એકતા અને સમાવેશી વિકાસમાં ધરાવે છે વિશ્વાસઃ અખિલેશ યાદવનો સરકાર પર પ્રહાર

2026-04-29 21:19:06
Author: Mumbai Samachar Team
Article Image

લખનઊઃ સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સપા વિકાસ વિરોધી હોવાના આરોપ પર વળતો પ્રહાર કર્યો હતો. અખિલેશ યાદવે કહ્યું કે સપા એકતા, સમાવેશકતા અને સમાન વિકાસમાં વિશ્વાસ ધરાવે છે.

અખિલેશ યાદવે જણાવ્યું કે સમાજવાદી પાર્ટીએ હંમેશાં લોકોને સંગઠિત કરવાનું કામ કર્યું છે. અમારું નામ બંધારણમાંથી લેવામાં આવ્યું છે. અમે ભેદભાવ દૂર કરવા અને સદ્ભાવને પ્રોત્સાહન આપવામાં વિશ્વાસ ધરાવીએ છીએ.

તેમણે વધુમાં કહ્યું કે પાર્ટી 'ગંગા-જમુની તહઝીબ' અને 'હિન્દુસ્તાનિયત' માટે ઉભી છે. તેમજ જે જાતિ અને ધર્મથી પરે લોકોને સંગઠિત કરે તેવી રાજનીતિની હિમાયત કરે છે. યાદવે ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરતાં દાવો કર્યો કે રાજ્યમાં એક્સપ્રેસ-વે વિકાસની શરૂઆત સપાએ કરી હતી.

તેમણે આરોપ લગાવ્યો કે જો કોઇએ એક્સપ્રેસવે કેવી રીતે બનાવવો તે શીખવ્યું હોય તો તે સમાજવાદી જ છે. અમે ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેની યોજના કઇ રીતે ઘડવી અને પૂર્ણ કરવી તે કરી બતાવ્યું છે. જ્યારે હાલના પ્રોજેક્ટ્સ હજુ પણ અધૂરા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યા પછી એક જાહેર સભાને સંબોધતા વડા પ્રધાન મોદીએ સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પાર્ટી પર મહિલા-વિરોધી માનસિકતા રાખવાનો અને ઉત્તર પ્રદેશના લોકોનું અપમાન કરતી ડીએમકે જેવી પાર્ટીઓ સાથે જોડાણ કરવાનો આરોપ મૂક્યો હતો.

વડા પ્રધાને કહ્યું હતું કે સપાને ઉત્તર પ્રદેશની પ્રગતિ પસંદ નથી અને તે રાજ્યને જૂના જમાનામાં ધકેલવા માંગે છે. સમાજવાદી પાર્ટી માત્ર વિકાસ વિરોધી જ નથી, પરંતુ મહિલા વિરોધી પણ છે. તાજેતરની ઘટનાઓએ તેમની માનસિકતાને ઉઘાડી પાડી છે.