Fri Sep 04 2026

Logo

ધોનીએ મશીનગનનું ટ્રિગર દબાવ્યુંઃ જાણો, ક્યાં અને શા માટે...

2026-05-17 18:34:32
Author: Ajay Motiwala
ધોનીએ મશીનગનનું ટ્રિગર દબાવ્યુંઃ જાણો, ક્યાં અને શા માટે...

ચેન્નઈઃ ક્રિકેટ-લેજન્ડ અને ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ્ પદવી ધરાવતો મહેન્દ્રસિંહ ધોની (Dhoni) આ વખતે અનફિટ હોવાને કારણે આઇપીએલમાં હજી સુધી નથી રમ્યો, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના ખેલાડીઓને તે દરેક ટ્રેઇનિંગ સેશન દરમ્યાન ખૂબ મદદરૂપ થયો છે અને રવિવારે તો ખુદ ધોનીએ એક પ્રકારની ટ્રેઇનિંગ લીધી હતી. આ તાલીમ તેણે નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ (NSG)ના કમાન્ડો પાસે લીધી હતી. ઉલ્લેખનીય છે કે પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા ધોનીને 2011માં ભારતીય લશ્કરની ટેરિટોરિયલ આર્મીમાં સામેલ કરવામાં આવ્યો હતો.

માહીએ કઈ ગન ચલાવી?

માહી આ પહેલાં પણ ઘણી વખત કમાન્ડોની વચ્ચે કલાકોના કલાકો વીતાવી ચૂક્યો છે. રવિવારે તે રિજનલ હબમાં ગયો હતો અને કમાન્ડો દ્વારા ચલાવવામાં આવતી રાઇફલ તથા ગન પર તેણે હાથ અજમાવ્યો હતો. તેણે ફાયરિંગ રેન્જમાં ઘણે દૂરથી ઘણા અચૂક નિશાન તાક્યા હતા

તેણે ખાસ કરીને કમાન્ડોની હેકલર ઍન્ડ કોચ એમપી-ફાઇવ સબમશીન ગન ચલાવવાની તાલીમ મેળવી હતી. ધોનીએ કમાન્ડોના માર્ગદર્શન મુજબ પહેલાં તો ઊભા રહીને ગન ચલાવવાની કોશિશ કરી હતી અને પછી બેસીને નિશાન તાક્યા હતા.

ધોની ઘણી વાર સુધી કમાન્ડોની વચ્ચે હતો, તેમની સાથે ખૂબ વાતચીત કરી હતી. ખાસ કરીને ધોનીએ ક્રિકેટના પોતાના અનુભવો તેમની સાથે શૅર કર્યા હતા. ધોનીએ તેમના પરિવારજનો સાથે ફોટા પડાવ્યા હતા તેમ જ કમાન્ડોની સાથે નાસ્તો પણ કર્યો હતો.

ધોનીએ સૈનિકોને પૂછ્યું, `હું ફિટ લાગું છું?'

ધોની ઘણા મહિનાઓથી રમવા માટે અનફિટ છે. તે આ વખતની આઇપીએલમાં રમ્યો તો નથી, હવે ક્યારે રમશે એ પણ નક્કી નથી અને તેના ઘણા ચાહકો એ વાતે ચિંતિત છે કે ધોની આવતા વર્ષની આઇપીએલ પહેલાં જ સંપૂર્ણ નિવૃત્તિ જાહેર કરી દેશે. માહીએ રવિવારે કમાન્ડો સાથે ફિટનેસના મુદ્દે ઘણી ચર્ચા કરી હતી.

ધોનીએ જવાનોના એક જૂથને પૂછ્યું, `ફિટ લગ રહા હૂં ના?' તેમણે `હા'માં જવાબ આપ્યો હતો. જોકે એક સૈનિકે ધોનીને કહ્યું, `છેલ્લે તમે જ્યારે આવ્યા હતા ત્યારે વધુ ફિટ લાગતા હતા.' ધોનીએ તેને જવાબમાં કહ્યું, `જેમ જેમ સમય જાય એમ વધુને વધુ મહેનત કરવી પડતી હોય છે.' અન્ય એક જવાને ધોનીને કહ્યું, `આ પહેલાં 2023માં તમે એનએસજી કૅમ્પમાં આવ્યા હતા ત્યારે પણ તમારી સાથે વાતચીત કરવાની મજા પડી ગઈ હતી.'