Tue Aug 18 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ માફીથી પણ મોટો શબ્દ છે... સમજણ

2026-07-30 09:04:00
Author: Shweta Joshi Antani
Article Image

 

શ્વેતા જોષી અંતાણી

દરવાજો એટલો જોરથી બંધ થયો કે માત્ર દરવાજો નહીં, બે પેઢી વચ્ચેનો સંવાદ પણ એક ક્ષણ માટે બંધ થઈ ગયો હોય એવું નંદિનીને લાગ્યું.

થોડીવાર સુધી એ દરવાજા સામે તાકી રહી. ટીનએજ દીકરી સાથેની ચર્ચામાં હાર હંમેશાં માના ભાગે જ આવતી હોય છે. પછી ધીમેથી લૅપટૉપ બંધ કર્યું. `મારે તારું ભાષણ નથી સાંભળવું.'  દીકરીના આ શબ્દો એના અસ્તિત્વ પર ઉઝરડા પાડતા ગયેલા. એની આંખોમાં ભીનાશ હતી, પરંતુ આંસુઓને બહાર આવવાની પરવાનગી એણે ના આપી. વર્ષો પહેલાં જ્યારે અન્વી નાની હતી, ત્યારે એ શા માટે રડે છે એનો જવાબ શોધ્યા વગર નંદિની જંપતી નહીં. આજે જોકે દીકરીને મન પોતાનાં આંસુઓની કિમત કોડીની હશે એ જાણતી નંદિની એને મનોમન ખાળી ગઈ.

બીજી તરફ અન્વી પોતાના રૂમમાં ચક્કર મારી રહી હતી.
`મને તારા ભાષણ સાંભળવામાં રસ નથી.' પોતાના જ શબ્દો એને કાનમાં વારંવાર વાગી રહ્યા હતા. ગુસ્સો ધીમે-ધીમે ઓસરી રહ્યો હતો, પરંતુ અંદર એક અજાણી બેચેની હતી જાણે. એ રાત્રે પહેલીવાર મમ્મીએ એને જમવા માટે બોલાવી નહોતી. કોઈએ દૂધનો ગ્લાસ ટેબલ પર મૂક્યો નહોતો. કોઈએ પૂછ્યું નહોતું કે `કાલે ટેસ્ટ છે ને? બધું તૈયાર છે?' 

સવારે ઍલાર્મ વાગ્યો. અન્વી ઊઠી. રસોડામાં ગઈ. ગૅસ બંધ હતો. નાસ્તો તૈયાર નહોતો. નંદિની હૉલમાં બેઠી પોતાની ઑફિસની ફાઇલ ગોઠવી રહી હતી. `બ્રેડ છે... ટોસ્ટર ત્યાં છે, દૂધ ફ્રિજમાં છે,' આટલું કહી એ ફરી પોતાના કામમાં પરોવાય ગઈ.

અન્વીએ પહેલીવાર પોતાનો નાસ્તો જાતે બનાવ્યો. કામ તો ખરેખર પાંચ જ મિનિટનું હતું. પણ એ પાંચ મિનિટે એને વર્ષોની એક એવી હકીકત સમજાવી, જેના વિશે એણે ક્યારેય વિચાર્યું જ નહોતું. રોજ સવારે કોઈ એની પાંચ મિનિટ બચાવતું હતું અને બદલામાં ક્યારેય આભારના બે શબ્દ પણ માગતું નહોતું. થોડા દિવસો પસાર થયા. નદિની હવે અન્વીને દરેક બાબત યાદ અપાવતી નહોતી. 

સ્પોર્ટ્સ શૂઝ સાફ છે કે નહીં, ઍડ્મિટ કાર્ડ બૅગમાં છે કે નહીં, પાણીની બૉટલ ભરેલી છે કે નહીં, હવે એ બધું અન્વીએ જ જોવાનું રહેતું. શરૂઆતમાં એને લાગ્યું કે મમ્મી બદલાઈ ગઈ છે. પછી સમજાયું કે મમ્મી બદલાઈ નહોતી. મમ્મીએ માત્ર પોતાની જગ્યા પરથી થોડું પાછળ ખસીને એને પોતાની જવાબદારી તરફ આગળ ધકેલી હતી. એક સાંજે પ્રૅક્ટિસથી પાછી ફરતી વખતે અન્વીએ હૉલમાં નજર કરી. 

નંદિની સોફા પર બેઠી બેઠી જ ઊંઘી ગયેલી. બાજુમાં ખુલ્લું લૅપટૉપ હતું. ટેબલ પર અડધી પીધેલી ચા ઠંડી પડી ગઈ હતી. દવાનું એક પૅકેટ ત્યાં બાજુમાં પડ્યું હતું. અન્વી ધીમેથી નજીક ગઈ. એણે પહેલીવાર પોતાની મમ્મીને માત્ર `મમ્મી'તરીકે નહીં, પરંતુ એક સ્ત્રી તરીકે જોઈ. આંખોની નીચે પડેલા કાળા કુંડાળા,વાળમાં વધી રહેલી સફેદી, નિસ્તેજ ત્વચા, સમયે નંદિનીના ચહેરા પર પોતાના હસ્તાક્ષર મૂકી દીધા હતા. 

અચાનક અન્વીને બાળપણનું એક દૃશ્ય યાદ આવ્યું. આઠ વર્ષની હતી ત્યારે એક વખત એને ભારે તાવ આવેલો. આખી રાત નંદિની એની બાજુમાં બેસી રહી. પોતે આંખ પણ મીંચી નહોતી. બીજા દિવસે સવારે અન્વીને એટલું જ યાદ હતું કે તેલ ઊતરેલો જોઈ મમ્મીની આંખમાં થાક નહીં પણ ચહેરા પર હાશકારો હતો. આજે સમજાયું કે એ હાશકારા પાછળ કદાચ આખી રાતનો થાક છુપાયેલો હતો જે એની નજરે આજ સુધી નહોતો ચડ્યો. 

પછી બીજો પ્રસંગ યાદ આવ્યો. રાજ્યકક્ષાની સ્પર્ધા પહેલાં અન્વી નર્વસ હતી. મમ્મીએ કહ્યું હતું, `જીતે કે હારે, મેદાનમાં ઊતરવાની હિંમત જ સૌથી મોટી જીત છે.'એ દિવસે અન્વીને લાગ્યું હતું કે મમ્મી માત્ર પ્રોત્સાહન આપી રહી છે. આજે સમજાયું કે કદાચ એ પોતાની જિંદગીના અનુભવનો નીચોડ કહી રહી હતી. દરેક મા દરરોજ એક નવા મેદાનમાં ઊતરતી હોય છે. ફરક માત્ર એટલો હોય છે કે એની જીત માટે કોઈ મેડલ નથી મળતો.

રાત્રે જમતી વખતે અન્વીએ થાળી પીરસતાં ધીમેથી પૂછ્યું, `મમ્મી... આજે બહુ થાકી ગઈ છે?' નંદિનીએ નવાઈથી એની સામે જોયું. `થોડું.' `કાલથી ચા હું બનાવી દઈશ.' વાક્ય ખૂબ નાનું હતું. પણ સંબંધોમાં કેટલાક શબ્દો માફી કરતાં પણ મોટા હોય છે. નંદિનીના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. એ સ્મિતમાં કોઈ વિજય નહોતો. કોઈ ફરિયાદ પણ નહોતી. માત્ર એક શાંત આશ્વાાસન હતું કે કદાચ દીકરી હવે મોટી થઈ રહી હતી. ઉંમરમાં નહીં, સમજણમાં.

ટીનએજ એ જીવનનો એવો પડાવ છે જ્યાં યુવાનો દુનિયાને સમજવાની ઉતાવળમાં હોય છે. એ પોતાનાં સપનાંઓ, પોતાની ઓળખ અને પોતાની સફળતા માટે સંઘર્ષ કરતા હોય છે, પરંતુ ઘણી વાર આ જ સફરમાં એ ભૂલી જાય છે કે ઘરમાં કોઈ એવી વ્યક્તિ પણ છે, જે એમની દરેક સફળતા પાછળ નિ:શબ્દ ઊભી રહી છે. માતા-પિતા સંતાનો પાસેથી ક્યારેય સંપૂર્ણતા માગતા નથી. એ માત્ર એટલી અપેક્ષા રાખે છે કે તમે જે સન્માન દુનિયાને આપો છો, એમાંથી થોડો હિસ્સો એમને પણ આપો, કારણ કે બહારના લોકો આપણા વ્યક્તિત્વને ઓળખે છે, પરંતુ ઘરના લોકો આપણા અસ્તિત્વ સાથે જીવતા હોય છે.

-અને જે દિવસે દીકરી પોતાની માતાને માત્ર `મમ્મી' નહીં, પરંતુ પોતાનાં જેટલાં જ સપનાંઓ, થાક, લાગણીઓ અને અસ્તિત્વ ધરાવતી એક સ્ત્રી તરીકે જોવાનું શીખી જાય છે એ દિવસે એનામાં સમજણનું એક પીંછુ વધુ ઉમેરાય જતું હોય છે.