Mon Jul 27 2026

Logo

મીરાંબાઈને ગોલ્ડની હૅટ-ટ્રિક બદલ મોદીના અભિનંદન

2026-07-26 22:44:02
Author: Ajay Motiwala
Article Image

2026 Commonwealth Games


ગ્લાસગો/નવી દિલ્હીઃ સ્કૉટલૅન્ડની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની વેઇટલિફ્ટર મીરાંબાઈ ચાનુએ રવિવારે 48 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો એ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની ભારોભાર પ્રશંસા કરવાની સાથે તેને અભિનંદન પાઠવ્યા હતા. મીરાંબાઈ સતત ત્રીજી કૉમનવેલ્થમાં સુવર્ણચંદ્રક જીતી છે.

31 વર્ષની ચાનુએ સ્નૅચમાં વિક્રમજનક 85 કિલો તેમ જ ક્લીન ઍન્ડ જર્કમાં 105 કિલો એમ કુલ મળીને 190 કિલો વજન ઊંચક્યું હતું. તેનું પ્રભુત્વ એટલું બધુ હતું કે બીજા નંબરે રહીને સિલ્વર જીતનાર નાઇજિરિયાની રુથ ન્યૉન્ગે ચાનુથી ઘણું ઓછું (કુલ 168 કિલો) વજન ઊંચક્યું હતું. તેણે ચાનુ કરતાં બાવીસ કિલો ઓછું વજન ઊંચક્યું હતું.

પીએમ મોદીએ ચાનુ (Chanu)ની સફળતાને `ભારતીય વેઇટલિફ્ટિંગના વધુ એક ગૌરવપૂર્ણ અને શાનદાર સિદ્ધિ' તરીકે ઓળખાવી હતી.

કૉમનવેલ્થ (CWG)માં મેડલ (સિલ્વર) મેડલ જીતનાર મણિપુરના પ્રથમ ઍથ્લીટ ઋષિકાંતને પણ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. ઋષિકાંતે ઘૂંટણમાં ઈજા છતાં સ્પર્ધામાં ભાગ લઈને રજતચંદ્રક જીતી લીધો હતો.

આજે કૉમનવેલ્થમાં ભારતીયોના મુકાબલા

સાંજે 4.45ઃ બૉક્સિંગ, સચિન સિવાચ, રાઉન્ડ નંબર-16
સાંજે 5.30ઃ વેઇટલિફ્ટિંગ, જ્ઞાનેશ્વરી યાદવ, મેડલ રાઉન્ડ
સાંજે 6.00ઃ બૉક્સિંગ, અંકુશ, રાઉન્ડ નંબર-16
સાંજે 6.16, જિમ્નૅસ્ટિક્સ, પ્રૉતિષ્ઠા સામંતા
રાત્રે 8.00, વેઇટલિફ્ટિંગ, બિન્દ્રાયણી દેવી, મેડલ રાઉન્ડ
રાત્રે 10.30, બૉક્સિંગ, સાક્ષી ચૌધરી
રાત્રે 11.30, દિવ્યાંગોની ગોળા ફેંક, શર્મિલા ધાનકર અને શિલ્પા શાયલા
રાત્રે 11.40, ઊંચા કૂદકામાં સર્વેશ કુશારે, તેજસ્વિની શંકર, જે. આદર્શ રામ
મધરાત બાદ 1.44, સ્વિમિંગ, સાજન પ્રકાશ
મધરાત બાદ 1.57, દિવ્યાંગોમાં મેન્સ 100 મીટર, રાકેશ ભટ્ટ અને શ્રેયાંશ ત્રિવેદી
મધરાત બાદ 2.15, 110 મીટર હર્ડલ્સ ફાઇનલ, તેજસ શિરસે.