સરકારે છ મહિના માટે AFSPA લાગુ કરી સૈન્યની ટુકડી ઉતારી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મણિપુર રાજ્યમાં સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સશસ્ત્ર દળો વિશેષ સત્તા અધિનિયમ (AFSPA)ને છ મહિના માટે લંબાવ્યો છે. સરકારે આજે મણિપુર રાજ્યને છ મહિના સુધી 'અશાંત વિસ્તાર' જાહેર કર્યું છે. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે, જ્યારે મણિપુરમાં હિંસાનો સિલસિલો લાંબા સમય સુધી યથાવત રહ્યો હતો. મણિપુરમાં સતત વધી રહેલી હિંસા, ખાસ કરીને મૈતેઈ વચ્ચે થઈ રહેલા સંઘર્ષ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. આર્મ્ડ ફોર્સીસ એક્ટ 1958 લાગુ કરી દેવામાં આવ્યો છે અને સૈન્યની એક ટુકડી ઊતારી દેવામાં આવી છે.
સૈન્યની ટુકડી ઊતારી દેવામાં આવી
રાજ્યમાં ફરી ભડકેલી હિંસાને ગંભીરતાથી લઈ દેશના ગૃહ મંત્રાલયે મણિપુરમાં સૈન્યની ટુકડીને ઊતારવા માટેના આદેશ આપ્યા હતા. 13 પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારોને બાદ કરતા સમગ્ર રાજ્યને 'અશાંત ક્ષેત્ર' જાહેર કરી દેવામાં આવ્યું છે. આ એલાન 1 ઑક્ટોબર 2026ના છ મહિના સુધી પ્રભાવી રહેશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર એ 2023માં મણિપુરને 'અશાંત ક્ષેત્ર' તરીકે જાહેર કરી દીધું હતું. જેને વારંવાર લંબાવી દેવાયું હતું. AFSPA 1958ની કલમ 3 અંતર્ગત રાજ્યપાલ, વહીવટી તંત્ર અથવા કેન્દ્ર સરકાર કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના કોઈ ભાગ અથવા વિસ્તાર પર 'અશાંત ક્ષેત્ર' તરીકે જાહેર કરી શકે છે. અશાંત અથવા ખતરનાક સ્થિતિ ઊભી થાય એવા સમયે આ લાગુ કરવામાં આવે છે. નાગરિકોની સહાયતા અને સુરક્ષા માટે સશસ્ત્રદળનો ઉપયોગ કરવાની જરૂર પડે છે.
મૃતદેહ મળી આવ્યા
આ નિર્ણય સંઘર્ષગ્રસ્ત રાજ્યમાં હિંસા ભડક્યા બાદ આવ્યો છે. શુક્રવારે કામજોંગ જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદી દ્વારા કથિત રીતે ચાર વ્યક્તિઓની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી હતી.ગોળીના નિશાનવાળા મૃતદેહ મ્યાંનમાર સીમા પાસે સુદુર પિલોંગ ગામ નજીક એક નિર્જન સ્થળેથી મળ્યા હતા. અહીંયાના સ્થાનિક લોકોનો એવો આક્ષેપ છે કે, પાડોશી મ્યાંનમારથી આતંકવાદી ભારતમાં ઘૂસી આવ્યા હતા અને ગુરૂવારે પાંચ ગ્રામીણ વિસ્તારમાં એક ગ્રૂપ પર ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો.
આ આતંકવાદીમાંથી એક આતંકવાદી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ પછી સ્થાનિક અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી હતી. મણિપુરના મુખ્યમંત્રી વાઈ ખેમચંદ સિંહે હત્યાની નિંદા કરી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આ રીતે હિંસાનું અમારા સમાજમાં કોઈ સ્થાન નથી. આ ઘટનાને કોઈ કાળે સહન કરવામાં નહીં આવે. મૃતકોના પરિવારો પ્રત્યે શોક અને સંવેદના.. વર્ષ 2023થી મૌતેઈ અને કુકી સમુદાય વચ્ચે ડખા ચાલી રહ્યા છે.
અચાનક હુમલો કરી દેવાયો હતો
હિંસા એ સમયે શરૂ થઈ જ્યારે ત્રણ કુકી નાગરિકોની હત્યાના બદલામાં કાંગપોકપીના ત્રણ ગામ પર અણધાર્યો અને અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો. 13 સપ્ટેમ્બરના ફરી વાર મણિપુરમાં હિંસા શરૂ થઈ હતી.
તામેંગલોંગ જિલ્લામાં સશસ્ત્ર હુમલાખોરોએ બે અલગ અલગ હુમલામાં દંપતિ સહિત ચાર વ્યક્તિઓ માર્યા ગયા હતા. એક છ વર્ષનો બાળક પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો હતો. એક અઠવાડિયા બાદ તામેંગલોંગ જિલ્લામાં 17 વર્ષના છોકરાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.