ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 81મા સત્રને ગુરુવારે સંબોધિત કરતી વખતે નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન (Climate Change) ના ગંભીર પડકારો સામે એકત્ર થઈને લડવા માટે વિશ્વ સમુદાયને હાકલ કરી છે. તેમણે નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી ભોટેકોશી-ત્રિશૂલી આપદાનો ઉલ્લેખ કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, આ ઘટના કોઈ સ્થાનિક આપત્તિ માત્ર નથી પરંતુ સમગ્ર માનવજાત માટે લાલ બત્તી સમાન છે.
ભારત અને ચીનની તાત્કાલિક સહાય બદલ માન્યો આભાર
મુશ્કેલીના આ સમયમાં નેપાળની પડખે ઊભા રહેનારા તમામ મિત્ર દેશો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને માનવતાવાદી એજન્સીઓનો તેમણે હૃદયપૂર્વક આભાર માન્યો હતો. પોતાના સંબોધન દરમિયાન નેપાળી વડાપ્રધાને પાડોશી દેશોની ભૂમિકાને બિરદાવતા કહ્યું, ‘ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓની હોનારત બાદ જે રીતે આંતરરાષ્ટ્રીય સમુદાય આપણી મદદે આવ્યો છે, તે માટે હું નેપાળના તમામ નાગરિકો વતી આભાર વ્યક્ત કરું છું. અમારા સૌથી નજીકના પાડોશી દેશો ભારત અને ચીન એ આપત્તિના તરત જ અત્યંત ઉદારતાથી મદદનો હાથ લંબાવ્યો હતો. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર, રાહત એજન્સીઓ અને વિશ્વભરની દાનવીર સંસ્થાઓએ નેપાળને પુનઃબેઠું કરવામાં મોટો સહયોગ આપ્યો છે’.
#WATCH | New York | At the 81st United Nations General Assembly, Nepal’s Prime Minister Balendra Shah says, "I wish to express Nepal's gratitude to all those who came to our aid after the deluge. Our immediate neighbors, India and China, offered prompt and generous assistance.… pic.twitter.com/MI2RaTrMk6
— ANI (@ANI) September 25, 2026
આબોહવા પરિવર્તન: નેપાળ માટે વિકાસ કટોકટી
પીએમ બાલેન શાહે વૈશ્વિક નેતાઓને સંબોધતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શું વિશ્વએ આ કુદરતી આફતોમાંથી સાચો બોધપાઠ લીધો છે કે કેમ? તેમણે ભારપૂર્વક કહ્યું કે, "નેપાળ જેવા ભૌગોલિક રીતે સંવેદનશીલ દેશો માટે આબોહવા પરિવર્તન એ માત્ર પર્યાવરણીય સમસ્યા નથી, પરંતુ તે દેશના આર્થિક અને સામાજિક વિકાસને રોકી દેતી એક મોટી કટોકટી છે." તેમણે ઉમેર્યું કે 'સાઝા પરંતુ અલગ-અલગ જવાબદારી' (Common but Differentiated Responsibilities) ના સાર્વત્રિક સિદ્ધાંત મુજબ, જે વિકસિત રાષ્ટ્રોએ ઐતિહાસિક રીતે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં સૌથી વધુ ફાળો આપ્યો છે અને જેમની પાસે સંસાધનોની ક્ષમતા વધુ છે, તેમણે આ વૈશ્વિક સમસ્યા સામે લડવા માટે વધુ જવાબદારી સ્વીકારવી જોઈએ.
#WATCH | New York | At the 81st United Nations General Assembly, Nepal’s Prime Minister Balendra Shah says, "...We propose that we establish a Himalayan climate resilience mechanism led by Nepal, India and China. Through this mechanism, let us share satellite data and expertise.… pic.twitter.com/6rENgDcIfo
— ANI (@ANI) September 25, 2026
પોતાના સંબોધનમાં 'Himalayan Climate Resilience Mechanism' નો નવો પ્રસ્તાવ રાખ્યો હતો. હિંદુ કુશ-હિમાલય પ્રદેશની મહત્તા રેખાંકિત કરતાં શાહે જણાવ્યું કે આ પર્વતમાળાઓ પૃથ્વીની જીવન-સમાનાંતર પ્રણાલીનો અતૂટ હિસ્સો છે. તે પીવાના પાણી, નદીઓ, ખેતી અને ઇકોસિસ્ટમ દ્વારા લગભગ ૨ અબજ (2 Billion) લોકોનું જીવન નભાવે છે. આ પ્રદેશમાં વધતા જતા જોખમો સામે લડવા તેમણે નેપાળ, ભારત અને ચીનના સંયુક્ત નેતૃત્વ હેઠળ 'Himalayan Climate Resilience Mechanism' ની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.