Tue Oct 06 2026

Logo

પંજાબમાં 24 કલાકમાં ચાર હત્યા, ભાજપે ભગવંત માન સરકાર પર પ્રહારો કર્યા

2026-10-05 15:43:16
Author: Chandrakant Kanoja
પંજાબમાં 24 કલાકમાં ચાર હત્યા, ભાજપે ભગવંત માન સરકાર પર પ્રહારો કર્યા

નવી દિલ્હી: પંજાબમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર હત્યા થઇ છે. જેના પગલે ભાજપે આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારને કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતીને લઇને ઘેરી છે. આ અંગે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પંજાબ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. 

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મડ સંધુની હત્યા

પંજાબમાં હત્યાઓને ગણાવતા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે પંજાબમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ મડ સંધુની હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત, લુધિયાણામાં ત્રણ હત્યાઓ થઈ હતી. જેમાં  એક સરપંચની હત્યા કરવામાં આવી હતી. સાહનેવાલમાં 29 વર્ષીય નદ્દી ખાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને 35  વર્ષીય દિનેશ કુમારની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.


સંબિત પાત્રાએ આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ પર પ્રહાર  કર્યો 

આ ઉપરાંત સંબિત પાત્રાએ આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું કે જો કોઇ ભાજપ શાસિત રાજ્યમાં આવી ઘટનાઓ ઘટે તો કેજરીવાલ રેલીઓ કરતાં હોત. પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નિશાન સાધતા તેમણે ધ્યાન દોર્યું હતું કે ત્યાં પોલીસકર્મીઓની પણ હત્યા થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં તેમણે સવાલ ઉઠાવ્યો કે પંજાબ સરકાર સામાન્ય નાગરિકોનું રક્ષણ કેવી રીતે કરી શકે.

આમ આદમી પાર્ટીએ જવાબ આપવો જોઈએ 

સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે પંજાબમાં ફરજ દરમિયાન ASI ગુરનામ સિંહને નજીકથી ગોળી મારવામાં આવી હતી. તે જ દિવસે એક હોમ ગાર્ડની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે પંજાબ સરકાર હેઠળ કૌભાંડ ચાલી રહ્યું છે. હાઈકોર્ટમાં ભ્રષ્ટાચારના કેસ અને કથળતી જતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે આમ આદમી પાર્ટીએ જવાબ આપવો જોઈએ.