દુબઈઃ ફ્લાયદુબઈ (Flydubai)ની ફ્લાઇટ FZ1073ના કૉકપિટમાં ભારતીય કેપ્ટન પર જીવલેણ હુમલો કરનાર ઓમાની કો-પાઈલટ હમ્મામ અલ-હમ્મામીને લઈને કેટલાક અત્યંત સનસનીખેજ ખુલાસા કરવામાં આવી રહ્યા છે. યુએઈમાં ચાલી રહેલી પૂછપરછમાં આરોપીએ કબૂલ કર્યું છે કે તેની યોજના કેપ્ટન સ્મિત મચ્છરને રસ્તામાંથી હટાવીને વિમાનને સામાન્ય રીતે ઉડાવતા રહેવાની અને પછી ઇઝરાઇલના બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ (Ben Gurion Airport) ની કોઈ ઇમારત કે વિમાન સાથે સીધા ક્રેશ કરવાની હતી.
ઇઝરાયલી મીડિયા અહેવાલો અને ઇટાલિયન અખબાર 'કોરિએરે ડેલા સેરા'ની તપાસ અનુસાર, જો આ હુમલો ન અટક્યો હોત તો 2001ના 9/11 હુમલાની તર્જ પર ઇઝરાયેલમાં એક ભીષણ તારાજી સર્જાઈ શકી હોત. આ ખુલાસાને કારણે ઈન્ટરનેશનલ મીડિયામાં ઓમાનનું નામ ખરાબ થઈ શકે છે.
પાઇલટ જૂનથી કરી રહ્યો હતો રેકી
યુએઈ અને સાઉદી અરેબિયાની પૂછપરછ એજન્સીઓ દ્વારા ઇઝરાયલ સાથે આ મામલાની માહિતી શેર કરવામાં આવી છે.
ફ્લાયદુબઈને જ કેમ પસંદ કરી? ચેનલ 13 સાથેની વાતચીતના વિગતોમાં હમ્મામે જણાવ્યું, "મેં રિસર્ચ કર્યું હતું કે કઈ એરલાઇન સીધી તેલ અવીવ ઉડાન ભરે છે. એટલા માટે મેં ફ્લાયદુબઈને પસંદ કરી, મેં એરલાઇનમાં ભરતી થતા પહેલા જ આ હુમલાનું કાવતરું રચી લીધું હતું."
તે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી વખત ફ્લાયદુબઈની ફ્લાઇટ દ્વારા બેન ગુરિયન એરપોર્ટ પર આવી ચૂક્યો હતો. જૂનમાં જ્યારે તે ઇઝરાઇલ આવ્યો, ત્યારે તેનું આખું ધ્યાન ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને હુમલાનો નકશો તૈયાર કરવા પર હતું.
તે જુલાઈમાં જ આ વારદાતને અંજામ આપવાનો હતો, પરંતુ તે સમયે ક્રૂ મેમ્બરમાં તેનો એક કરીબી મિત્ર હાજર હતો, જેના કારણે તેણે છેલ્લી ઘડીયે પોતાનો ઇરાદો બદલી નાંખ્યો હતો.