મેક્સિકોમાં ડ્રગ માફિયા સામ્રાજ્યને મોટો ફટકો વિશ્વના સૌથી ખતરનાક ડ્રગ કાર્ટેલ પૈકીના એક 'જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ' (CJNG) ના વડા નેમેસિયો ઓસેગુએરા ઉર્ફે 'એલ મેન્ચો'નો આખરે અંત આવ્યો છે. મેક્સિકન સુરક્ષા દળોએ એક ગુપ્ત અને અત્યંત જોખમી સૈન્ય ઓપરેશન પાર પાડીને આ કુખ્યાત માફિયાને ઠાર માર્યો છે. વર્ષોથી સુરક્ષા એજન્સીઓને થાપ આપનાર એલ મેન્ચોને પકડવા માટે સેનાએ તેની ગર્લફ્રેન્ડની ગતિવિધિઓનો સહારો લીધો હતો. આ ઓપરેશન બાદ સમગ્ર મેક્સિકોમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે, પરંતુ સરકાર માટે આ એક ઐતિહાસિક સફળતા માનવામાં આવી રહી છે.
મેક્સિકોના રક્ષા મંત્રી રિકાર્ડો ટ્રેવિલાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે, રવિવારે વિશેષ દળો અને કાર્ટેલના લડવૈયાઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. સૈન્ય ઘેરાબંધી દરમિયાન એલ મેન્ચો અને તેના અંગત સુરક્ષાકર્મીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. વળતા પ્રહારમાં સેનાએ એલ મેન્ચો સહિત તેના આઠ સાથીઓને ઠાર કર્યા હતા. અથડામણ બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા માફિયાને હેલિકોપ્ટર દ્વારા મેડિકલ સેન્ટર લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. આ ઓપરેશનમાં કાર્ટેલનો નાણાકીય વડો 'એલ તુલી' પણ માર્યો ગયો હોવાના અહેવાલ છે.
ખુફિયા એજન્સીઓએ એલ મેન્ચો સુધી પહોંચવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. એજન્સીઓ તેના એક વિશ્વાસુ સાથી પર નજર રાખી રહી હતી, જે તેની ગર્લફ્રેન્ડને સુરક્ષિત સ્થાને પહોંચાડવાનું કામ કરતો હતો. આ સાથીનો પીછો કરતા સેના જાલિસ્કો રાજ્યના પહાડી વિસ્તાર ટાપાલપા પાસેના એક ગ્રામીણ કમ્પાઉન્ડ સુધી પહોંચી ગઈ હતી. જ્યારે તેની ગર્લફ્રેન્ડ ત્યાંથી બહાર નીકળી ત્યારે સેનાને ખાતરી થઈ ગઈ કે માફિયા અંદર જ છુપાયેલો છે. ત્યારબાદ બીજા જ દિવસે સેનાએ આખા વિસ્તારની કિલ્લેબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
પોતાના આકાના મોતના સમાચાર મળતા જ CJNG કાર્ટેલના લડવૈયાઓએ અનેક રાજ્યોમાં આતંક મચાવ્યો હતો. હિંસક ટોળાઓએ રસ્તાઓ જામ કરી દીધા, વાહનોમાં આગચંપી કરી અને સુરક્ષા દળો પર અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. આ હિંસામાં નેશનલ ગાર્ડના ૨૫ જવાન શહીદ થયા છે, જ્યારે કાર્ટેલના ૩૦ જેટલા સભ્યો પણ માર્યા ગયા છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ શાઈનબામએ જનતાને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને દેશમાં સ્થિતિ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી હોવાનું આશ્વાસન આપ્યું છે.
59 વર્ષીય નેમેસિયો ઓસેગુએરા ઉર્ફે એલ મેન્ચો અમેરિકા અને મેક્સિકો બંને દેશો માટે માથાનો દુખાવો હતો. તેના નેતૃત્વમાં CJNG કાર્ટેલ મેક્સિકોનું સૌથી શક્તિશાળી ડ્રગ સંગઠન બન્યું હતું. તે અમેરિકામાં મોટા પાયે ફેટાનિલ અને અન્ય માદક દ્રવ્યોની તસ્કરી માટે કુખ્યાત હતો. તેની સામે ડઝનબંધ ગુનાહિત કેસો નોંધાયેલા હતા અને તેને પકડવા માટે કરોડો ડોલરનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેના અંતથી આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટની કમર તૂટી જશે તેવી અપેક્ષા છે.