Wed Jun 03 2026

Logo

Reels પ્રેમીઓ માટે ખુશખબર: Facebook-Instagram પર આવશે 'રીલ્સ સિરીઝ' ફીચર, નેટફ્લિક્સની જેમ જોઈ શકશો રીલ્સ...

2026-06-03 15:09:00
Author: Darshana Visaria
Article Image

આજના ડિજિટલ યુગમાં, પછી તે ફેસબુક હોય કે ઈન્સ્ટાગ્રામ, રીલ્સ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો સૌથી અનિવાર્ય અને લોકપ્રિય હિસ્સો બની ગઈ છે. દુનિયાભરમાં ટૂંકા વીડિયોનો ક્રેઝ સતત વધી રહ્યો છે, અને હવે મેટા રીલ્સના આ અનુભવને એક ડગલું આગળ લઈ જવા માટે એક અત્યંત ક્રાંતિકારી ફીચર પર કામ કરી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની એક નવા 'રીલ્સ સિરીઝ ફીચર'ની ટેસ્ટિંગ શરૂ કરી ચૂકી છે, જે રીલ્સની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે.

વાત કરીએ આ નવા ફીચર વિશે તો તેની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે ક્રિએટર્સ તેમની અલગ-અલગ રીલ્સને માત્ર એકલ-દોકલ વીડિયો તરીકે જ નહીં, પરંતુ એક 'સિરીઝના એપિસોડ્સ' તરીકે રજૂ કરી શકશે. એટલે કે, તમે હવે તમારી મનપસંદ વાર્તા, ટ્યુટોરીયલ કે મિની-ડ્રામાને એક પછી એક એપિસોડ મુજબ જોઈ શકશો, જે રીતે તમે ઓટીટી પ્લેટફોર્મ્સ પર સીરીઝ જુઓ છો.

મેટા માત્ર આ ફીચર લાવી જ નથી રહ્યું, પરંતુ તેને 'મોનેટાઈઝ' કરવાની પણ મોટી યોજના બનાવી રહ્યું છે. આનો સીધો અર્થ એ છે કે ક્રિએટર્સ માટે રીલ્સ દ્વારા પૈસા કમાવા હવે વધુ સરળ અને આકર્ષક બની જશે. જોકે, કંપનીએ આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પણ નિષ્ણાતોના મતે, આ ફીચર 'ટિકટોક' જેવું જ કામ કરી શકે છે. 

ટિકટોક પર ક્રિએટર્સ સિરીઝમાં પ્રીમિયમ કન્ટેન્ટ અપલોડ કરે છે, અને યુઝર્સે તે જોવા માટે ચોક્કસ રકમ ચૂકવવી પડે છે. મેટા પણ આ જ પેટર્ન અપનાવી શકે છે, જેનાથી ક્રિએટર્સ પેઇડ સબ્સ્ક્રિપ્શન દ્વારા જંગી કમાણી કરી શકશે.

મેટા આ ફીચર લાવીને સીધી રીતે ટિકટોકને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે, જ્યાં આ ફીચર 2023થી જ ઉપલબ્ધ છે. આ ફીચર પાછળનો મેટાનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝર્સને માત્ર અનંત સ્ક્રોલિંગમાંથી મુક્તિ આપીને તેમને એક 'સિરીઝ' ની જેમ કન્ટેન્ટ સાથે લાંબા સમય સુધી જોડી રાખવાનો છે. 

જ્યારે કોઈ સિરીઝની રીલ તમારી ફીડમાં આવશે, ત્યારે તમને તે રીલ પર ટેપ કરીને સિરીઝના બાકીના તમામ એપિસોડ્સ જોવાનો ઓપ્શન પણ મળશે. આ સાથે ક્રિએટરની પ્રોફાઇલ પર 'સિરીઝ'નામનું એક સ્પેશિયલ પેજ પણ તૈયાર કરવામાં આવશે, જ્યાં નવી અને જૂની તમામ સીરિઝ એકસાથે લિસ્ટ હશે, જેનાથી યુઝર્સ માટે તેમના મનપસંદ વીડિયો શોધવા અત્યંત સરળ બની જશે.