Thu May 28 2026

Logo

પ્રાઈવેટ મોમેન્ટ્સથી લઈને બેડરૂમ સિક્રેટ સુધી અમે બધું જ જોઈએ છીએ... મેટા એઆઈના ટ્રેઈનર્સનો આ ખુલાસો તમારી ઉંઘ ઉડાડી દેશે...

2026-05-02 21:45:22
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો ડિજિટલ અને આર્ટિફિશિયલ ઈન્ટેસલિજન્સ એટલે કે એઆઈ (AI)નો છે. આ જ  ક્ષેત્રની દિગ્ગજ કંપની 'મેટા' (Meta) હાલમાં તેના સ્માર્ટ ગ્લાસીસ અને યુઝર્સની પ્રાઈવસીને લઈને એક મોટા વિવાદમાં ફસાઈ છે. મેટા એઆઈને તાલીમ આપતા કોન્ટ્રાક્ટ પર કામ કરનારા એમ્પ્લોયીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. કર્મચારી આ ખુલાસા બાદ કંપની યુઝર્સની પર્સનલ લાઈફમાં કેટલી ઊંડે સુધી ઘૂસી ગઈ છે એનું ભયાનક સત્ય સામે આવ્યું છે. ચાલો જોઈએ શું છે આ ખુલાસો... 

મેટાના 'રે-બ્રેન સ્માર્ટ ગ્લાસીસ' અને એઆઈ ચેટબોટ્સને વધુ સ્માર્ટ બનાવવા માટે હ્યુમન ટ્રેઈનર્સની મદદ લેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન યુઝર્સની પ્રાઈવસીનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.  યુઝર્સ જ્યારે આ ચશ્મા પહેરે છે કે પછી ઘરમાં ક્યાંય પણ ચાલુ રાખે છે, ત્યારે તેમના બેડરૂમ, બાથરૂમ કે કપડાં બદલતી વખતની પ્રાઈવેટ મોમેન્ટ્સ પણ રેકોર્ડ થઈ જાય છે.

એટલું જ નહીં કર્મચારી દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ પ્રાઈવેટ ફૂટેજ ડેટા લેબલિંગ માટે કેન્યા જેવા દેશોના કોન્ટ્રાક્ટ એમ્પ્લોયી પાસે મોકલવામાં આવે છે. આ કર્મચારીઓ એઆઈને વસ્તુઓ ઓળખવાનું શીખવવા માટે તેને યુઝર્સના અત્યંત પ્રાઈવેટ વીડિયો ફ્રેમ-બાય-ફ્રેમ જુએ છે.

જોકે, મેટા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ટ્રેઈનિંગ દરમિયાન ચહેરાં બ્લર (Blur) કરવામાં આવે છે, પરંતુ ડીમ લાઈટ કે પછી ફાસ્ટ મુવમેન્ટ કરતી વખતે આ સોફ્ટવેર નિષ્ફળ જાય છે અને યુઝર્સની ઓળખ છતી થઈ જાય છે.

કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને આવા અશ્લીલ કે પ્રાઈવેટ વીડિયો જોવાની ફરજ પાડવામાં આવે છે અને વિરોધ કરનારને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. એકવાર ડેટા મેટાના સર્વર પર જમા થયા પછી યુઝરનું તેના પર કોઈ નિયંત્રણ રહેતું નથી અને કંપની તેનો ઉપયોગ ગમે ત્યાં કરી શકે છે.