Mon Oct 05 2026

Logo

હવે ઓનલાઇન ઠગાઈથી બચાવશે Truecaller! આવી ગયું નવું Scam Checker ટૂલ; શંકાસ્પદ મેસેજ અને લિંક્સનું કરશે પોસ્ટમોર્ટમ...

2026-09-29 22:12:53
Author: Darshana Visaria
હવે ઓનલાઇન ઠગાઈથી બચાવશે Truecaller! આવી ગયું નવું Scam Checker ટૂલ; શંકાસ્પદ મેસેજ અને લિંક્સનું કરશે પોસ્ટમોર્ટમ...

AI


આજના ડિજિટલ યુગમાં અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ, ફેક વેબ લિંક્સ કે અચાનક પૈસાની માંગણી કરતી ઓફર્સ યુઝર્સમાં સતત છેતરપિંડીનો ભય ઊભો કરે છે. સામાન્ય રીતે લોકો માત્ર અંદાજ લગાવીને સાવચેત રહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ હવે ટેકનોલોજીની મદદથી આવા ફ્રોડની વાસ્તવિકતા તપાસવી વધુ સરળ બનશે. કોલર આઈડેન્ટિફિકેશન પ્લેટફોર્મ Truecallerએ યુઝર્સની સુરક્ષા માટે ‘Scam Checker’ નામનું નવું સુરક્ષા ફીચર લોન્ચ કર્યું છે.

ટ્રુ કોલર પર જોવા મળનારા આ નવા ફીચરની વાત કરીએ તો આ નવા ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝર્સને કોઈપણ શંકાસ્પદ મેસેજ, મોબાઈલ નંબર કે વેબ લિંકની સત્યાર્થતા એક જ પ્લેટફોર્મ પર ચકાસવાની સુવિધા આપવાનો છે, જેથી ઓનલાઇન સાયબર ફ્રોડ અને ફિશિંગ એટેકથી બચી શકાય.

Truecallerનું ‘Scam Checker’ કેવી રીતે કામ કરશે?
યુઝર્સ કોઈપણ અજાણી વેબ લિંક (URL)ને Scam Checkerમાં નાખીને ચેક કરી શકે છે કે તે કોઈ ખતરનાક ફિશિંગ સાઇટ કે માલવેર સાથે જોડાયેલી છે કે નહીં. અજાણ્યા ફોન નંબરને સર્ચ કરીને Truecaller ના એડવાન્સ્ડ ડિટેક્શન સિસ્ટમ અને લાખો યુઝર્સ દ્વારા આપવામાં આવેલા રેટિંગ્સ અને રિપોર્ટ્સ જાણી શકાશે. આ ફીચરમાં અગાઉથી ઉપલબ્ધ 'Scamfeed' રિપોર્ટ્સને સામેલ કરવામાં આવ્યા છે. જો કોઈ યુઝર સાથે અગાઉ એ જ પેટર્નની છેતરપિંડી થઈ હશે, તો તેની સંપૂર્ણ હિસ્ટ્રી અને કેસ સ્ટડી સામે આવી જશે.

એક જ જગ્યાએ ત્રણ મહત્વપૂર્ણ બાબતોની થશે તપાસ:
ઓનલાઇન છેતરપિંડીમાં સામાન્ય રીતે ત્રણ મુદ્દા મુખ્ય હોય છે—ફોન નંબર, લિંક અને મેસેજનો સંદર્ભ (બહાનું કે સ્ટોરી). હવે યુઝર્સે અલગ-અલગ ટૂલ્સ શોધવાની જરૂર નથી. એક જ સર્વિસમાં મેસેજનો ટેક્સ્ટ, તેમાં રહેલી લિંક અને નંબર નાખીને તપાસ કરી શકાશે. યુઝર પોતાની ફરિયાદ કે માહિતી દાખલ કરશે કે તરત જ સિસ્ટમ સ્કેન કરીને કોમ્યુનિટી રિપોર્ટ્સ અને રિસ્ક સ્કોર સ્ક્રીન પર દર્શાવી દેશે.

આગામી સમયમાં જોડાશે વધુ એડવાન્સ્ડ ફીચર્સ:
કંપની ભવિષ્યમાં સીધા ચેટના સ્ક્રીનશોટ અપલોડ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ફ્રોડ ડિટેક્શન કરવાની સુવિધા ઉમેરવામાં આવી રહી છે. સ્કેમના નવા પ્રકારો સામે વધુ સચોટ સુરક્ષા પૂરી પાડવા માટે અલ્ગોરિધમને સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.

કયા પ્લેટફોર્મ પર મળશે આ સુવિધા?
હાલમાં આ ‘Scam Checker’ ફીચર Android એપ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. તેનું વેબ વર્ઝન (Web Version) વિશ્વભરમાં ઉપલબ્ધ કરાયું છે. કંપનીના જણાવ્યા અનુસાર, Apple iOS (iPhone) યુઝર્સ માટે આ ફીચર ટૂંક સમયમાં આગામી અપડેટ સાથે રોલઆઉટ કરવામાં આવશે.