ભારત સરકાર બાળકોના ઇન્ટરનેટ પર થતા યૌન શોષણ અને નુકસાન પહોંચાડનારા કન્ટેન્ટથી બચાવવા માટે સોશિયલ મીડિયા કંપનીઓ પર કડકાઇ વધારવાની તૈયારીમાં છે. સરકાર સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સાથે વાતચીત કરી છે, જેથી બાળકો સાથે જોડાયેલા આપત્તિજનક કન્ટેન્ટની ઓળખ જલદી થઇ શકે અને તેને પ્લેટફોર્મ પરથી હટાવી શકાય.
આ શ્રેણીમાં મેટાએ બાળકોના યૌન શોષણ સાથે સંકળાયેલી બાબતોની જાણકારી કાયદો લાગૂ કરનારી સંબંધિત એજન્સીઓ સાથે શેર કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. સરકારનું કહેવું છે કે ભારતમાં કામ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે બાળકોની ઓનલાઇન સુરક્ષા સૌથી મહત્વની જવાબદારીઓમાં સામેલ છે. અને આ મામલે કોઇપણ પ્રકારની બેદરકારી સ્વીકાર કરવામાં નહીં આવે.
બાળકો સાથે જોડાયેલા વાંધાજનક કન્ટેન્ટ પર નજર
સરકારનું ધ્યાન એવા કન્ટેન્ટની ઓળખ કરવા પર છે, જે બાળકોને નુકસાન પહોંચાડી શકે છે અથવા તેમના યૌન શોષણ સાથે જોડાયેલું હોય. અધિકારીઓનો પ્રયાસ છે કે સોશિયલ મીડિયા કંપનીઓ આવી સામગ્રીને ફક્ત ફરિયાદ મળ્યા પછી હટાવવાને બદલે તેની ઓળખ અને અટકાવવા માટે એક સક્રિય વ્યવસ્થા તૈયાર કરે. મેટા (Meta) દ્વારા સંબંધિત કાયદા અમલીકરણ એજન્સીઓ સુધી માહિતી પહોંચાડવાની સંમતિને સરકારે આ દિશામાં એક પ્રારંભિક પગલું માન્યું છે. આનાથી બાળકો વિરુદ્ધ થતા ઓનલાઇન ગુનાના કેસોની તપાસમાં એજન્સીઓને મદદ મળી શકે છે.
અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ સરકારના રડાર પર
સરકાર માત્ર મેટા સુધી સીમિત રહેવા માંગતી નથી. અધિકારીઓની અન્ય સોશિયલ મીડિયા અને ઓનલાઇન પ્લેટફોર્મ સાથે પણ વાતચીત ચાલી રહી છે. આનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે બાળકો સાથે જોડાયેલ વાંધાજનક અને ગેરકાયદેસર કન્ટેન્ટની સમયસર ઓળખ કરવામાં આવે અને તેને હટાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવે.