ભુજઃ ભારત-પાકિસ્તાન સરહદ નજીક કચ્છના અત્યંત દુર્ગમ વિસ્તારમાં રોજીંદા પેટ્રોલિંગ દરમિયાન સરહદી સલામતી દળના જવાનોને કેટલીક અસામાન્ય પથ્થર-ઈંટોની રચનાઓ જોવા મળી હતી. શરૂઆતમાં જવાનોએ જેને પાંખા અવશેષો ધરાવતું ‘ઉજડગામ’ નામ આપ્યું હતું, તે સાચે જ કોઈ ઉજ્જડ વિસ્તાર નહીં પરંતુ સદીઓ જૂની એક સમૃદ્ધ મધ્યકાલીન માનવ વસાહત હોવાનો ખુલાસો પુરાતત્વીય સંશોધનમાં થયો છે.
પુરાતત્વવિદો દ્વારા હાલ પૂરતું ‘બારબડગામ’ નામ આપવામાં આવેલા આ સ્થળે ઈંટોના બંધકામ, પાકા રસ્તા, માટીના વાસણો અને દૈનિક ઉપયોગની સાધન-સામગ્રી વિશાળ પ્રમાણમાં મળી આવી છે.
ક્યારની છે માનવ વસાહત?
પ્રાથમિક તપાસ અનુસાર, આ વસાહત ઈ.સ. ૧૧મી થી ૧૪મી સદી દરમિયાન ‘સોમરા વંશ’ ના શાસનકાળમાં ધમધમતી હોવાનો અંદાજ છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધન બાદ આ મહત્વપૂર્ણ શોધની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આખું મોટું ઐતિહાસિક શહેર વસેલું હોવાના મળ્યા પુરાવા
વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન બીએસએફ જવાનોના ધ્યાન પર આ સ્થળ આવ્યા બાદ કચ્છ યુનિવર્સિટી, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલેઓસાયન્સિસ અને ડેક્કન કૉલેજ (પુણે)ના નિષ્ણાતોએ આ વિસ્તારની વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી હતી. કચ્છ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે, અહીં માત્ર એક-બે છૂટાછવાયા બાંધકામ નહીં પરંતુ એક આખું મોટું ઐતિહાસિક શહેર વસેલું હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા છે.
સંશોધન દરમિયાન આ સ્થળેથી માટીના કોડિયાં, અનાજ સંગ્રહવાના વાસણો, એક તાંબાનો સિક્કો, માટીનું ઊંટ અને મુખ્યત્વે ડાંગર (ચોખા) છોડવાના માટીના યંત્રો (તળાઓ) મળી આવ્યા છે. ડેક્કન કૉલેજના પ્રોફેસર પ્રબોધ શિર્વલકરના જણાવ્યા મુજબ, સિંધના નીચલા વિસ્તારની મધ્યકાલીન સંસ્કૃતિ સાથે આ સાધનો મેળ ખાય છે. તે સમયે કચ્છના આ વિસ્તારમાં ‘ગઢા ડાંગર’ તરીકે ઓળખાતી સ્થાનિક જાતનું વાવેતર થતું હોવાની અને અહીંના લોકો કૃષિ વેપાર સાથે જોડાયેલા હોવાની શક્યતા છે.
આ ઉપરાંત, આ સ્થળેથી એક કબ્રસ્તાન પણ મળી આવ્યું છે, જેમાં ૧૦૦ જેટલા માનવ કંકળ (માનવ સાંકળ/હાડપિંજર) સંભવતઃ ભૂકંપના કારણે ખુલ્લા થયેલા જોવા મળે છે. તમામ હાડપિંજરના મસ્તક પશ્ચિમ દિશા તરફ રાખેલા છે, જે તે સમયની દફનવિધિની પરંપરા પર પ્રકાશ પાડે છે.
ભૌગોલિક દ્રષ્ટિએ આ સ્થળ અત્યંત વ્યૂહાત્મક ઊંચાઈ પર આવેલું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધક અજય યાદવે જણાવ્યું કે, આજે ભલે આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદથી વિભાજિત હોય, પરંતુ સદીઓ પહેલાં સિંધુ અને હાકરા નદીની પૂર્વ શાખાઓ સર ક્રિક સિસ્ટમ તરફ વહેતી હશે. આ જળમાર્ગો દ્વારા આંતરિક વિસ્તારો અરબી સમુદ્ર સાથે જોડાયેલા હતા.
જે સ્થળને સરહદી જવાનોએ માત્ર એક ‘ઉજડગામ’ ગણ્યું હતું, તે કચ્છના સમૃદ્ધ વેપારી ભૂતકાળ અને મધ્યકાલીન ઇતિહાસનું એક નવું જ પ્રકરણ ખોલી રહ્યું છે. હાલમાં આ વસાહતનું મૂળ ઐતિહાસિક નામ શોધવા અને તેની ચોક્કસ સમયરેખા નક્કી કરવા માટે વધુ વૈજ્ઞાનિક સંશોધનો જારી હોવાનું ગૌરવ ચૌહાણે ઉમેર્યું હતું.
(ઉત્સવ વૈદ્ય)