Tue May 26 2026

Logo

મેલ મેટર્સઃ વર્ક-લાઈફ બેલેન્સનો નિયમ શું પુરુષને લાગુ ન પડે?

2026-04-09 12:02:00
Author: Ankit Desai
Article Image

 


અંકિત દેસાઈ


‘વર્ક-લાઈફ બેલેન્સ’ શબ્દ જ્યારે પણ કાને પડે છે ત્યારે મોટાભાગે આપણી નજર સામે એક એવી સ્ત્રીનું ચિત્ર ઉપસે છે, જે એક હાથમાં ઓફિસની ફાઈલ અને બીજા હાથમાં ઘરની જવાબદારીઓ સંભાળી રહી હોય. દાયકાઓથી આ વિભાવનાને માત્ર સ્ત્રીલક્ષી બનાવી દેવામાં આવી છે, જાણે પુરુષો માટે તો જીવન એટલે માત્ર કામ... કામ ને કામ જ!
 

જોકે બદલાતા સમય સાથે એ સ્વીકારવું અનિવાર્ય બન્યું છે કે કાર્ય અને અંગત જીવન વચ્ચેનું સંતુલન જેટલું સ્ત્રીઓ માટે જરૂરી છે, એટલું જ, કદાચ તેનાથી પણ વિશેષ અત્યારે પુરુષો માટે જરૂરી બન્યું છે. પુરુષ માટે આ સંતુલન માત્ર સમયના વ્યવસ્થાપનનો વિષય નથી, પણ તે તેમના શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને કૌટુંબિક સુખનો પાયો છે.


ઐતિહાસિક રીતે જોઈએ તો સમાજે પુરુષને હંમેશાં ‘પ્રોવાઈડર’ એટલે કે કમાનાર વ્યક્તિ તરીકે જ જોયો છે દર્શાવ્યો છે. નાનપણથી જ છોકરાઓને એવું શીખવવામાં આવે છેકે તેની સફળતાનો માપદંડ તેનું બૅંક બેલેન્સ, તેની પદવી અને તેની કાર છે. આ સામાજિક ઘડતરને કારણે પુરુષ અજાણતા જ એક એવા ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે, જ્યાં તેને લાગે છે કે જો તે સતત કામ નહીં કરે તો તે નિષ્ફળ ગણાશે. 


આ ‘હસલ કલ્ચર’ અથવા સતત દોડતા રહેવાની વૃત્તિએ પુરુષ પાસેથી તેમનું અંગત આકાશ છીનવી લીધું છે. ઓફિસના કલાકો પૂરા થયા પછી પણ લેપટોપ પર કામ કરવું, રજાના દિવસે પણ ક્લાયન્ટના ફોન ઉપાડવા અને સતત પ્રમોશનની ચિંતામાં રહેવું એ હવે નવો સામાન્ય ક્રમ બની ગયો છે, પરંતુ આ પ્રક્રિયામાં પુરુષ પોતે ક્યાંક ખોવાઈ જાય છે.


જ્યારે એક પુરુષ પોતાના કામ અને જીવન વચ્ચે સંતુલન ખોઈ બેસે છે ત્યારે તેની સૌથી પહેલી અને ગંભીર અસર તેના સ્વાસ્થ્ય પર પડે છે. પુરુષોમાં જોવા મળતા હૃદયરોગના હુમલા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અનિદ્રા પાછળનું મુખ્ય કારણ અતિશય કાર્યભાર અને માનસિક તણાવ છે. ‘કામ પ્રત્યેની વફાદારી’ સાબિત કરવાની લ્હાયમાં પુરુષો ઘણીવાર પોતાના શરીરના સંકેતોને અવગણે છે. પૂરતી ઊંઘ ન લેવી, જમવાનો કોઈ ચોક્કસ સમય ન હોવો અને કસરત માટે સમય ન ફાળવવો એ  બધું લાંબા ગાળે જીવલેણ સાબિત થાય છે. 


માનસિક રીતે પણ, પુરુષો પોતાની વ્યથા વ્યક્ત કરી શકતા નથી, કારણ કે તેમને ‘મજબૂત’ દેખાવાનું દબાણ હોય છે. આ સ્થિતિમાં જો વર્ક-લાઈફ બેલેન્સ ન હોય તો ડિપ્રેશન અને એન્ઝાયટી જેવા રોગ મૂંગા મોઢે ઘર કરી જાય છે.


સ્વાસ્થ્ય પછી બીજું મોટું નુકસાન કૌટુંબિક સંબંધોમાં જોવા મળે છે. પિતા તરીકેની જવાબદારી માત્ર બાળકની સ્કૂલ ફી ભરવા પૂરતી સીમિત નથી. બાળકને તેના પિતાના પૈસા કરતાં તેના પિતાના સમયની વધુ જરૂર હોય છે. જ્યારે એક પિતા ઘરના પ્રસંગોમાં ગેરહાજર રહે છે અથવા ઘરે હોવા છતાં માનસિક રીતે ઓફિસના વિચારોમાં મગ્ન હોય છે ત્યારે સંતાનો સાથેનું તેનું જોડાણ નબળું પડે છે. તેવી જ રીતે, જીવનસાથી સાથેના સંબંધોમાં પણ શુષ્કતા આવવા લાગે છે. 


સંવાદની જગ્યા દ્લીલો લઈ લે છે ને એ પછી  વિવાદમાં પલટાઈ જાય  છે, કારણ કે પત્નીને લાગે છે કે પતિ માત્ર ઘરને ‘હોટેલ’ની જેમ વાપરે છે. પરિવાર માટે સમય ફાળવવો એ કોઈ અહેસાન નથી, પણ એ દરેક પુરુષની પાયાની જરૂરિયાત છે, કારણ કે અંતે તો આ પરિવાર જ તેને માનસિક ટેકો પૂરો પાડે છે.


ઘણીવાર એવી દલીલ કરવામાં આવે છે કે કોર્પોરેટ જગતમાં સ્પર્ધા એટલી વધી ગઈ છે કે જો તમે સમય નહીં આપો તો બીજા આગળ નીકળી જશે. સત્ય એ છે કે જે વ્યક્તિનું અંગત જીવન સુખી અને સંતુલિત હોય છે, તેની કાર્યક્ષમતા (Productivity) ઓફિસમાં પણ અનેકગણી વધી જાય છે.જે માણસ વીકેન્ડમાં પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે તે સોમવારે નવા ઉત્સાહ અને સર્જનાત્મક વિચારો સાથે ઓફિસ જઈ શકે છે. ‘બર્નઆઉટ’ થયેલો કર્મચારી ક્યારેય લાંબુ અંતર કાપી શકતો નથી.તેથી સંસ્થાઓએ પણ હવે ‘મેલ વર્ક-લાઈફ બેલેન્સ’ પર ભાર મૂકવાની શરૂઆત કરવી પડશે. પુરુષે એ પોતે પણ સ્વીકારવું પડશે કે ઓફિસની બહાર પણ તેમનું એક અસ્તિત્વ છે.


વર્ક-લાઈફ બેલેન્સ જાળવવા માટે પુરુષે  પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરવી પડશે. દિવસના ચોક્કસ કલાકો પછી ડિજિટલ ડિટોક્સ (મોબાઈલ-લેપટોપથી દૂરી) અનિવાર્ય છે. રવિવાર કે રજાના દિવસે ઓફિસના મેલ ચેક ન કરવા એ શિસ્તનો ભાગ હોવો જોઈએ. સાથે જ, પોતાના કોઈ શોખ કે ‘મી ટાઈમ’ માટે સમય કાઢવો એ કોઈ ગુનો નથી. પુસ્તક વાંચવું, સંગીત સાંભળવું કે મિત્રો સાથે બેસવું એ લક્ઝરી નથી, પણ માનસિક રિચાર્જિંગની પ્રક્રિયા છે. પુરુષોએ એ સમજવાની જરૂર છે કે જો તેઓ આજે પોતાના સ્વાસ્થ્ય અને પરિવાર માટે સમય નહીં ફાળવે તો ભવિષ્યમાં તેમની પાસે સફળતા તો હશે પણ તેને માણવા માટે ન તો શરીર સાથ આપશે, ન તો પરિવારની હૂંફ હશે.


આ વિશે  આખરમાં તો એટલું જ કહી શકાય કે, વર્ક-લાઈફ બેલેન્સ એ જેન્ડર-ન્યુટ્રલ વિષય છે. તે માત્ર સ્ત્રી માટેની સુવિધા નથી, પણ દરેક પુરુષનો અધિકાર અને જવાબદારી છે. સફળ પુરુષ એ નથી જેણે સૌથી વધુ કમાણી કરી છે, પણ સફળ પુરુષ એ છે જેણે પોતાના વ્યવસાયિક લક્ષ્યોની સાથે સાથે પોતાની શારીરિક સુખાકારી અને પરિવારના સ્મિતને પણ સાચવી રાખ્યું છે. પુરુષત્વની સાચી ઓળખ જવાબદારીઓ નિભાવવામાં છે અને એ જવાબદારીમાં સ્વ-સંભાળ (Self-care) અને સપરિવાર સમયનો પણ સમાવેશ થાય છે.

હવે સમય પાકી ગયો છે કે પુરુષો પણ ‘ના’ પાડતા શીખે અને પોતાના જીવનની ગુણવત્તા વધારવા માટે આ સંતુલનને ગંભીરતાથી અપનાવે.